નવીદિલ્હી,એક પછી એક સુપરહિટ ફિલ્મો આપનાર અક્ષય કુમાર હવે રાજકારણમાં પણ હાથ અજમાવે તેવી શક્યતા છે. કેટલાક મીડિયા રિપોર્ટ પ્રમાણે આગામી લોક્સભાની ચૂંટણીમાં ભાજપ અક્ષય કુમારને ટિકિટ આપે તેવી શક્યતા છે. અક્ષયને કદાચ ચાંદની ચોકની સીટ પરથી ભાજપનો ઉમેદવાર બનાવી શકાય છે. હાલમાં ચાંદની ચોક પર ભાજપના નેતા હર્ષ વર્ધન ચૂંટાયેલા છે જેઓ ભૂતપૂર્વ આરોગ્યમંત્રી પણ છે.
અહેવાલ પ્રમાણે ભાજપ પોતાના ૧૫૦ ઉમેદવારોના નામ જાહેર કરવાની તૈયારીમાં છે. તેમાં પ્રથમ લિસ્ટમાં વડાપ્રધાન મોદીનું નામ પણ આવી શકે છે. ફિલ્મ સ્ટાર અક્ષય કુમારને ભાજપ તરફી ગણવામાં આવે છે અને હવે તેણે કેનેડિયન સિટિઝનશિપ પણ છોડી દીધી છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે સાત બેઠકો પર ગઠબંધન કર્યું છે ત્યારે ભાજપ અહીં કયા ઉમેદવારોને ઉતારવા તેના પર વિચારણા કરે છે.
વર્ષ ૨૦૧૪ અને ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપ નવી દિલ્હીમાં તમામ સાત સંસદીય બેઠકો પર વિજેતા બન્યો હતો. હવે અહીં અગાઉના ઉમેદવારોને રિપિટ કરવા કે નહીં તેના પર વિચારણા ચાલુ છે. હજુ સુધી કોઈ બેઠક માટે ઉમેદવારોના નામ ફાઈનલ નથી થયા. પરંતુ સૂત્રોનું કહેવું છે કે હાલના કેટલાક સાંસદોને કદાચ રિપિટ કરવામાં નહીં આવે. તેની જગ્?યાએ નવા ચહેરાને તક આપવામાં આવી શકે છે. તેમાંથી એક નામ અક્ષય કુમારનું છે. અક્ષય કુમાર ’ચાંદની ચોક ટુ ચાઈના’ નામની ફિલ્?મમાં પણ ભૂમિકા ભજવી ચૂક્યો છે અને હવે ચાંદની ચોકમાં ચૂંટણી પણ લડી શકે છે.
ભાજપના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધન ચાંદની ચોકની બેઠક પરથી ૨૦૧૪ અને ૨૦૧૯માં ચૂંટણી જીતી ચૂક્યા છે. ૨૦૦૪ અને ૨૦૦૯માં આ બેઠક પર કોંગ્રેસના નેતા અને કેન્દ્રીય મંત્રી કપિલ સિબલ વિજેતા બન્યા હતા.દિલ્હીમાં આપ અને કોંગ્રેસે હાથ મિલાવ્યા હોવાથી ભાજપે સાવધાનીપૂર્વક કામ કરવું પડશે. ભાજપ કોઈ જોખમ લેવા માગતો નથી અને તે માત્ર એવા ઉમેદવારોને મેદાનમાં ઉતારશે જેના વિજય માટે પૂરેપૂરી ખાતરી હોય. અક્ષય કુમાર પણ આવો એક ઉમેદવાર સાબિત થઈ શકે છે. દિલ્હીમાં અગાઉ ત્રિપાંખિયો જંગ હતો, પરંતુ હવે બે બાજુ વચ્ચેનો સંઘર્ષ બનશે. અક્ષય કુમાર વર્ષોથી મુંબઈમાં રહે છે, પરંતુ તેણે પોતાના બાળપણમાં દિલ્હીમાં ઘણો સમય વીતાવ્યો હતો. તાજેતરમાં એક મુલાકાતમાં તેણે કહ્યું હતું કે તે ચાંદની ચોકમાં ૨૪ પરિવારજનો સાથે રહેતો હતો.
તેમણે કહ્યું હતું કે દિલ્હીના ચાંદની ચોકમાં એક જ ઘરમાં અમે ૨૪ લોકો રહેતા હતા. અમે એક જ રૂમમાં સુઈ જતા હતા. સવારે અમે ક્સરત કરવા માટે ઉઠતા હતા અને સૌ એકબીજા પર કૂદકા મારતા હતા. અક્ષય કુમારની ઘણી ફિલ્મોને ભાજપના પ્રચાર તરીકે પણ ગણાવવામાં આવી હતી. જોકે, અક્ષયનું કહેવું છે કે અગાઉ કોંગ્રેસ સત્તા પર હતી ત્યારે પણ તે આવી જ રીતે ફિલ્મો બનાવતો હતો.ભાજપ હાલમાં ઇસ્ટ દિલ્હીમાં પણ ઉમેદવાર બદલવા માટે વિચારે છે. હાલમાં અહીં ભાજપના નેતા મનોજ તિવારી સાંસદ છે અને તેઓ બે વખત ચૂંટાયા છે.