અમદાવાદ,અમદાવાદમાં ધોળકા હાઈવે પર આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આજે વહેલી સવારે બંધ ડમ્પર પાછળ બોલેરો ઘૂસી જતા ભયાનક અકસ્માતમાં લોકોને ગંભીર ઇજા પંહોચી છે તો કેટલાક લોકોના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા. ધોળકા હાઈવે પર બનેલ દુર્ઘટનામાં બોલેરોમાં બેસેલ વ્યક્તિઓ ગંભીર ઇજા પામતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ધોળકા હાઈવે પર વહેલી સવારે બનેલ ભયાનક અકસ્માતની જાણ થતા પોલીસ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળ પર પંહોચી હતી. ઇજાગ્રસ્તોને અમદાવાદની સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા.
પ્રાપ્ત ઘટનાની વિગત મુજબ ધોળકા હાઈવે પર બોલેરો કાર બંધ ડમ્પર પાછળ ઘૂસી જતા ૫ લોકોના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા હતા. બોલેરો કારમાં શ્રમિકો મુસાફરી કરી રહ્યા હતા. શ્રમિકો મજૂરી કામ અર્થે બોલેરોમાં બેસી રાણપુર જઈ રહ્યા હતા ત્યારે ધોળકાના પુલેન સર્કલ પાસે તેમની કાર અચાનક ડમ્પર પાછળ ઘૂસી જઈ. વહેલી સવારે ૪ વાગ્યાની આસપાસ આ બનાવ બનવા પામ્યો. ઘટનાની સામે આવેલ તસવીરોમાં દેખાય છે કે આ કેટલો ભયાનક અકસ્માત હતો. જેમાં ડમ્પર ઘૂસેલ બોલેરોનો કચ્ચરઘાણ વળી ગયો છે. અકસ્માત થતા બોલેરોમાં બેસેલ શ્રમિકો રસ્તા પર ફેંકાયા હતા તો અંદર બેસેલ શ્રમિકો લોહીલુહાણ હાલતમાં નજરે પડે છે. અકસ્મતાનું દૃશ્ય જોનાર તમામને કમકમાટી છૂટી ગઈ છે. ઘટનાસ્થળ પર મૃત્યુ પામેલા ૫ લોકોને ધોળકાની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.
ધોળકા હાઈવે પર બોલેરોમાં સવાર નીતિશ નાનસિંહ ભીલવાલ, દિલીપ નાનસિંહ ભીલવાડ, રાહુલ ખુમસિંહ ભિલવાડ, પ્રમોદ ભરતભાઈ ભિલવાડ સહિત રાજુ માનસિંહ ભિલવાડનું ઘટનાસ્થળે મોત નિપજ્યું. જ્યારે આ અકસ્માતમાં મનિષા નિતેશભાઈ ભિલવાડ અને રામચંદ્ર નિતેશભાઈ ભિલવાડ નામના ૨ લોકોને ગંભીર ઇજા પંહોચી છે તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. ધોળકા હાઈવે પર વહેલી સવારે સર્જાયેલ અકસ્માત મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.