૧૦ વર્ષના બાળકનું અપહરણ, પૈસા ન મળતાં હત્યા કરી દેવાઈ

પ્રતાપપુર, છત્તીસગઢના પ્રતાપપુરમાં ૧૦ વર્ષના બાળકનું અપહરણ કરીને તેની હત્યા કરવાનો સનસનાટીભર્યો બનાવ બન્યો છે. આરોપીઓએ બાળકનું અપહરણ કરીને છુટકારા માટે છ લાખ રૂપિયા માંગ્યા હતા. પરંતુ પૈસા ન મળતા તેમણે બાળકની હત્યા કરી નાંખી હતી.

આ હત્યાને પગલે આ વિસ્તારના લોકોમાં આક્રોશ ફેલાઈ ગયો છે. ઉશ્કેરાયેલા લોકોએ રસ્તા નજીક ઉભી કરાયેલી આરોપીની કારમાં તોડફોડ કરી હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. બાદમાં લોકોને સમજાવતા મામલો થાળે પડ્યો હતો.

છત્તીસગઢના સરગુજા સંભાગના સુરજપુર જીલ્લાના પ્રતાપપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૧૯ જાન્યુઆરીના રોજ ૧૦ વર્ષીય રીશુ કશ્યપનું અપહરણ થયું હતું. કહેવાય છે કે રીશુ તેના પિતાની હોટેલ પર જવા માટે ઘરેથી નીકળ્યો હતો. તે સમયે તે અચાનક ગાયબ થઈ ગયો હતો. બીજી તરફ આરોપીઓ આ માસૂમ બાળકને છોડવા માટે ૬ લાખ રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ પૈસા ન મળતા આરોપીઓ બાળકની હત્યા કરીને તેની લાશ સળગાવી દીધી હતી. પોલીસનું કહેવું છે કે બન્ને આરોપી ગામના જ રહેવાસી છે.

જોકે પોલીસે સમગ્ર બનાવ અંગે કોઈ ખુલાસો કર્યો નથી. પ્રાથમિક માહિતી અનુસાર આ હત્યાના બે આરોપી શુભમ સોની અને વિશાલ તામ્રકારની ધરપકડ કરવામાં આવી છે. બન્ને મૃતક બાળકના પડોશી હોવાનું કહેવાય છે.

પોલીસ એક મહિનાથી ગૂમ બાળકની શોધ ચલાવી રહી હતી. દરમિયાન આરોપીઓ અલગ અલગ નંબરો પરથી બાળકના પિતાને ફોન કરીને ૬ લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેને પગલે પોલીસ તપાસમાં જોતરાઈ હતી. જેને પગલે આરોપીઓએ બાળકની હત્યા કરીને તેની લાશ સળગાવી દીધી હતી.

પોલીસે જ્યારે નંબર ટ્રેસ કર્યો ત્યારે બન્ને આરોપીઓ અંગે માહિતી મળી હતી. તેમની પૂછપરછ કર્યા બાદ પોલીસે તેમની ધરપકડ કરી હતી. બન્નેએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. હત્યાના આ બનાવ બાદ આ વિસ્તારમાં લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. લોકોએ રસ્તા પાસે પાર્ક કરેલી આરોપીઓની કારમાં તોડફોડ કરીને તેમાં આગ લગાવી દીધી હતી.