અગરતલ્લા,ત્રિપુરાના પ્રાણી સંગ્રહાલયમાં સિંહ અને સિંહણનું નામ અકબર-સીતા રાખનાર અધિકારીને સરકારે સસ્પેન્ડ કરી દીધા છે. નામકરણના વિવાદ વચ્ચે, સરકારે રાજ્યના પ્રધાન મુખ્ય વન સંરક્ષક (વન્યપ્રાણી અને પર્યાવરણીય પ્રવાસન) પ્રબીન લાલ અગ્રવાલને સસ્પેન્ડ કર્યા છે. આ સસ્પેન્શન વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા કોલકત્તા હાઈકોર્ટમાં કરવામાં આવેલી ફરિયાદ બાદ કરવામાં આવ્યું હતું જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે નામોથી ધામક લાગણીઓને ઠેસ પહોંચી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ૧૨ ફેબ્રુઆરીએ ત્રિપુરાના સિપાહીજાલા ઝૂલોજિકલ પાર્કમાં પાંચ વર્ષ બાદ બે સિંહને લાવવામાં આવ્યા હતા. આ સિંહને એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ ઉત્તર બંગાળના સિલીગુડીમાં બંગાળ સફારીમાંથી લાવવામાં આવ્યા હતા.
વિહિપએ હાઇકોર્ટની બેંચ સમક્ષ અરજી દાખલ કરીને નામોમાં ફેરફાર કરવા વિનંતી કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આનાથી હિંદુ ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચે છે. જસ્ટિસ ભટ્ટાચાર્યએ બંને પ્રાણીઓ માટે પસંદ કરેલા નામો પર નારાજગી વ્યક્ત કરી હતી.
મૌખિક ટિપ્પણીમાં, કોલકાતા હાઈકોર્ટની જલપાઈગુડી સકટ બેન્ચે કહ્યું કે સિંહણ અને સિંહને “સીતા” અને “અકબર” નામ આપવાનો નિર્ણય વિવાદને રોકવા માટે ટાળવો જોઈએ. કોર્ટે પ્રશ્ર્ન કર્યો હતો કે શું સિંહનું નામ સ્વામી વિવેકાનંદ કે રામકૃષ્ણ પરમહંસ જેવી વ્યક્તિઓના નામ પર રાખી શકાય. બેન્ચે ભલામણ કરી હતી કે પશ્ર્ચિમ બંગાળ ઝૂ ઓથોરિટી પુનવચાર કરે અને બંને પ્રાણીઓના નામ ન્યાયપૂર્ણ રીતે બદલે.
ન્યાયમૂત ભટ્ટાચાર્યએ વિચાર્યું કે શું દેવી-દેવતાઓ, પૌરાણિક વ્યક્તિઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓ અથવા નોબેલ પુરસ્કાર વિજેતાઓના નામ પર પ્રાણીઓનું નામ રાખવું યોગ્ય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આવા વિવાદોથી દૂર રહેવું જોઈએ. તેમણે કહ્યું કે, વિવાદ ઊભો કરવા માટે આ નામ કોણે આપ્યું છે? હું વિચારતો હતો કે શું કોઈ પ્રાણીનું નામ ભગવાન, પૌરાણિક નાયક, સ્વાતંત્ર્ય સેનાની કે નોબેલ પુરસ્કાર વિજેતાના નામ પર રાખી શકાય? સિંહ અને સિંહણને અકબર અને સીતાનું નામ આપીને વિવાદ શા માટે કરવો જોઈએ?
જણાવી દઈએ કે અકબર ભારતમાં મુઘલ સામ્રાજ્યના મુખ્ય મુસ્લિમ શાસક હતા. જ્યારે હિન્દુ મહાકાવ્ય રામાયણ અનુસાર, સીતાને ભગવાન રામની પત્ની તરીકે ઓળખવામાં આવે છે, જે ભગવાન વિષ્ણુના અવતાર છે. હિન્દુ ધર્મના લોકો સીતાને માતા કહે છે.