હિંમતનગરની સરકારી સિવિલ હોસ્પિટલમાંથી તસ્કરો એમ્બ્યુલન્સ ચોરી કરી ગયા

હિંમતનગર, સાબરકાંઠા જિલ્લામાં તસ્કરોએ માઝા મૂકી છે. મંદિર અને ઘરફોડ ચોરી બાદ હવે સરકારી વાહનો પણ સુરક્ષીત રહ્યા નથી. સવારના અરસા દરમિયાન ૧૫ મિનિટમાં જ તસ્કરો સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી એમ્બ્યુલન્સની ચોરી કરી ગયા હોવાની ઘટના નોંધાઇ છે. સવારના ૮ થી સવા આઠ વાગ્યાના અરસા દરમિયાન કોઇ તસ્કર એમ્બ્યુલન્સ ચોરી કરીને ફરાર થઇ ગયો હતો. ચોરી થયેલ એમ્બ્યુલન્સ ૨૦૧૯ મોડલની એટલે કે પાંચેક વર્ષ જૂની હોવાનું સામે આવ્યુ છે.

સવારના ૮ વાગ્યે શિફ્ટ પુરી થતા ચાલક ચીમન બળેવીયાએ ચાર્જ શરદ બોડાતને સોંપ્યો હતો. આમ એમ્બ્યુલન્સ સંભાળી લઈને ચાલક શરદ બોડાત સિવિલમાં ડ્રાઇવર રુમમાં પાણીની બોટલ લેવા માટે ગયો હતો. આ દરમિયાન ચાવી ગાડીમાં જ ભૂલી ગયો હતો. જેનો લાભ ઉઠાવીને કોઇ તસ્કર એમ્બ્યુલન્સને ચાલુ કરીને લઇને જતો રહ્યો હતો.

આસપાસમાં તપાસ કરતા સ્થળ પર ક્યાં જણાતા નહીં આખરે સિવિલ પોલીસ ચોકી અને ઇન્ચાર્જને જાણ કરી હતી. આ અંગે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશને ચોરીનો ગુનો નોંધીને હવે સીસીટીવી અને ટોલ પ્લાઝાની માહિતી આધારે વાન સુધી પહોંચવા માટે પ્રયાસ શરુ કર્યો છે. જોકે સિવિલમાં ઇમર્જન્સી વોર્ડ આગળના ધમધમતા પાકગમાં જ સીસીટીવી નહીં હોવાની જાણકારી આ ઘટના બાદ સામે આવી છે.