વિજયનગરમાં ચોરો ૫ વૃક્ષોના સુગંધીદાર લાકડાને કાપી લઇ ગયા

હિમતનગર, વિજયનગરના મતાલી ગામે ખેતરમાંથી તસ્કરો ચંદનના ૫ ઝાડની ચોરી કરી જવાની ઘટના સામે આવી છે. ખેતરમાં તસ્કરો રાત્રી દરમિયાન સુગંધીદાર ચંદનના ઝાડને કાપીને ચોકી કરી જતા ખેડૂતો મોંઘાદાટ ચંદનની ખેતી માટે કરેલી મહેનતને નિરાશા વ્યાપી હતી. વિસ્તારમાં ચંદન ચોરીની વધતી ઘટનાઓ સામે ખેડૂતોમાં રોષ વ્યાપી રહ્યો છે.

ચંદન માટે સાબરકાંઠાનો ઉત્તરીય વિસ્તાર જાણીતો છે. ખાસ કરીને ઇડર, વડાલી અને વિજયનગર પંથકમાં મોટા પ્રમાણમાં ચંદનના કુદરતી વૃક્ષો હોવા ઉપરાંત ખેડૂતો ખેતી પણ મોટા પ્રમાણમાં કરી રહ્યા છે. આ દરમિયાન ચંદનના ખેતરો સહિત અને કુદરતી વૃક્ષોની ચોરીના બનાવો નોંધાઇ રહ્યા છે. વિજયનગરના મતાલી વિસ્તારમાં ખેડૂતે વાવેલ ચંદનના વૃક્ષોની ચોરી થવાની ઘટના સામે આવી છે.

૧૩ વર્ષ અગાઉ ચંદનના વૃક્ષ ખેડૂતે વાવણી કર્યા હતા. જેમાંથી ચંદન તસ્કરો ૫ વૃક્ષોને રાત્રી દરમિયાન કાપીને ચોરી કરી ગયા હતા. ૫ ફૂટના ચંદનના લાકડાને કાપીને ચોરી કરી ગયા હોવાની ફરીયાદ વિજયનગર પોલીસ મથકે નોંધાઇ છે. પોલીસે સવા લાખના ચંદનના લાકડાની વૃક્ષો કાપીને ચોરી થયાનો ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.