કોલકતા, પશ્ચિમ બંગાળમાં સંદેશખાલીના મામલાએ જોર પકડ્યું છે. દરમિયાન ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના અશોકનગરમાં થયેલી હત્યાએ રાજકારણને વધુ ગરમ કરી દીધું છે. બંગાળમાં ચૂંટણી પહેલા લોહિયાળ ખેલનો લાંબો ઈતિહાસ છે અને આ વખતે પણ લોક્સભાની ચૂંટણી પહેલા બંગાળની શેરીઓ લોહીથી લાલ થવા લાગી છે.
અહીં રવિવારે રાત્રે ૪૯ વર્ષીય તૃણમૂલ કોંગ્રેસના નેતા બિજન દાસની જમીન વિવાદને લઈને લોકોના એક જૂથે ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ મામલે પોલીસે જણાવ્યું કે બિજન દાસ પર હુમલો ત્યારે થયો જ્યારે તેઓ પાર્ટીના એક સાથીદારના ઘરે ગયા હતા. ગુમા એક પંચાયતના નાયબ વડા દાસને નજીકથી બે વાર ગોળી વાગી હતી, એક ગોળી તેમના માથામાં વાગી હતી અને બીજી તેમના ડાબા કાનમાંથી પસાર થઈ હતી, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસ અધિકારીએ કહ્યું, તેને બારાસત મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આરોપી ફરાર છે અને અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ. બારાસતના સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે કહ્યું, બિજનનું મૃત્યુ એક અપુરતી ખોટ છે. પાર્ટીમાં, તેણે વિદ્યાર્થી રાજકારણથી તેની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી અને ત્યારથી તે પાર્ટી સાથે હતો, પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃતકની થોડા દિવસો પહેલા જમીનના વેપારી ગૌતમ દાસ સાથે ઝઘડો થયો હતો. આ સાથે જ પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં યોજાયેલી પંચાયત ચૂંટણીને લઈને પણ લડાઈ ચાલી રહી હતી. બિજનદાસ જ્યારથી ડેપ્યુટી ચીફ તરીકે ચૂંટાયા હતા ત્યારથી વિપક્ષી નેતાઓના નિશાના પર હતા. પોલીસ આ તમામ એંગલને ધ્યાનમાં રાખીને કેસની તપાસ કરી રહી છે.