આંગણવાડીમાં જતા કોઈપણ બાળકનો જીવ જોખમાય નહિ તે સુનિશ્ચિત કરવું એ રાજ્ય સરકારની પ્રાથમિક જવાબદારી છે અને અમારી સરકાર આ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી રહી છે, તેમ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું. ગૃહમાં સભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્ર્નના પ્રત્યુત્તરમાં મંત્રી બાબરીયાએ જણાવ્યું કે, મહીસાગર જિલ્લામાં ૩૦૫ આંગણવાડીઓ જર્જરિત હાલતમાં છે. આ આંગણવાડીના બાળકોની સલામતીની ચિંતા કરીને ૧૦૬ આંગણવાડીઓ ભાડાના મકાનમાં જ્યારે બાકીની ૧૯૯ આંગણવાડીઓ શાળાના ઓરડા, પંચાયતઘર અથવા સમાજ ઘર જેવી સલામત જગ્યાએ ખસેડવામાં આવી છે. તેવી જ રીતે, આણંદ જિલ્લામાં પણ ૯૩ આંગણવાડી કેન્દ્રો જર્જરિત હાલતમાં છે. જે પૈકીના ૨૩ કેન્દ્રો ભાડાના મકાનમાં તેમજ બાકીના ૭૦ કેન્દ્રો શાળાના ઓરડા, પંચાયતઘર અથવા સમાજ ઘર જેવી જગ્યાએ ખસેડાયા છે.