ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી સાથે અને દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસની લોક્સભા ચૂંટણી માટે સમજૂતી થઈ ગઈ તેનાથી તે ખુશ હશે. આ સમજૂતી અંતર્ગત દિલ્હીમાં આમ આદમી પાર્ટી ચાર અને કોંગ્રેસ ત્રણ સીટો પર મળીને ચૂંટણી લડશે. એનાથી એ જ સ્પષ્ટ થયું કે કોંગ્રેસે દિલ્હીમાં આપને મોટો પક્ષ માની લીધો. આ બંને પક્ષ હરિયાણા, ગુજરાત અને ગોવામાં પણ સાથે મળીને ચૂંટણી લડવા સહમત છે, પરંતુ એ ઉલ્લેખનીય છે કે પંજાબમા કોઈ સમજૂતી ન થઈ શકી. તેનો મતલબ છે કે પંજાબમા બંને પક્ષો એકબીજાને હરાવવાનું કામક રચશે અને દિલ્હી અને કેટલાક બીજા રાજ્યોમાં એકબીજાને જીતાડવાનું! આ વિચિત્ર સ્થિતિ કોંગ્રેસની લાચારી જ દર્શાવે છે. તે આ લાચારીનો પરિચય પહેલાં પણ આપી ચૂકી છે. તે બંગાળમાં ડાબેરીઓ સાથે મળીને ચૂંટણી લડી ચૂકી છે અને કેરળમાં તેમના વિરુદ્ઘ! આ વખતે પણ બંગાળ અને કેરળમાં એ જ થવાનું છે, કારણ કે કેરળના ડાબેરી નેતા કોંગ્રેસ સાથે સમજૂતી કરવા તૈયાર નથી. આખરે ગઠબંધનની આ કેવી રાજીનીતિ છે કે બે પક્ષો ક્યાંક સાથે મળીને ચૂંટણી લડે છે તો ક્યાંક એકબીજા વિરુદ્ઘ લડે છે!
ઉત્તર પ્રદેશમાં પણ કોંગ્રેસ જે રીતે ૮૦માંથી માત્ર ૧૭ બેઠકો પર ચૂંટણી લડવા સહમત થઈ ગઈ, તેનાથી પણ તેની લાચારી જ દેખાય છે. એક સમયે જે ઉત્તર પ્રદેશ કોંગ્રેસનો ગઢ હતો, ત્યાં તે ગઠબંધનના નામે જે રીતે પોતાની રાજકીય જમીન છોડવા તૈયાર થઈ, તેનાથી તે પોતાનો જનાધાર વધુ ગુમાવશે. એવા ગઠબંધન કરીને અને આ ક્રમમાં પ્રાદેશિક પક્ષોને મોટાભાઈનો દરજ્જો આપીને તે અન્ય રાજ્યોમાં પણ પોતાનો જનાધાર ગુમાવી ચૂકી છે. લાગે છે કે કોંગ્રેસનો એકમાત્ર ઉદ્દેશ્ય ગમે તે કરીને પાછલી બે લોક્સભા ચૂંટણીઓ કરતાં થોડી વધુ સીટો જીતી લેવા માત્રનો છે, નહિ કે પોતાના ગઠબંધન દ્વારા ભાજપના નેતૃત્વવાળા એનડીએને કોઈ ઠોસ પડકાર આપવાનો. જો કોંગ્રેસ એ સમજી રહી છે કે સપા અને આપ સમજૂતી કરીને તે વિપક્ષી ગઠબંધનને એક શક્તિશાળી ગઠબંધન રૂપે રજૂ કરવામાં સફળ થઈ જશે તો તેના અણસાર ઓછા જ છે. એ જોવું દયનીય છે કે જ્યારે કોંગ્રેસે એક રાષ્ટ્રીય પક્ષ તરીકે પોતાની મજબૂતી બનાવી રાખવાના પ્રયત્ન કરવા જોઇએ, ત્યારે તે સીમિત લ-ય ધરાવતી થઈ ગઈ છે. એનાથી તેની રાજકીય હેસિયત વધુ ઘટી જવાની છે. કોંગ્રેસ ભલે ગમે તે દાવા કરે, તેણે સપા એ આપ સાથે જેવી સમજૂતી કરી છે તેનાથી વિપક્ષી ગઠબંધનને કોઈ રાષ્ટ્રીય સ્વરૂપ મળવાનું નથી. જો આ ગઠબંધન બનતાં પહેલાં જ તૂટવા લાગ્યું છે તો તેના માટે ઘટક પક્ષો સાથે કોંગ્રેસ પણ જવાબદાર છે, જેણે સીટોની વહેંચણીને બદલે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને વધુ પ્રાથમિક્તા આપી.