સોશ્યિલ મીડિયાનો દુરુપયોગ

કોઈપણ સોશ્યિલ મીડિયા મંચના દુરુપયોગને રોકવો અનિવાર્ય જ નહીં, અનુકરણીય પણ છે. ખેડૂત આંદોલનના સમાધાન માટે પ્રયાસરત સરકારે આ આંદોલનને ધ્યાનમાં રાખતાં સોશ્યિલ મીડિયા મંચ ‘એક્સ’ના દુરુપયોગ પર વાંધો ઉઠાવ્યો હતો અને તેના અનેક એકાઉન્ટ અને પોસ્ટ હટાવવાનું ફરમાન કર્યું હતું. દેખીતું છે કે આદતથી મજબૂર એક્સે થોડી રાહ જોવડાવ્યા બાદ જ ભારત સરકારના આદેશનું પાલન કર્યું. જોકે એક્સ વાંધાજનક ખાતાંને માત્ર ભારત માટે પ્રતિબંધિત કરશે, બાકી દુનિયામાં આ ખાતાં અને પોસ્ટ દેખાતા રહેશે. સાથે જ એક્સે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો હવાલો આપતાં આ કાર્યવાહી સાથે પોતાની વૈચારિક અસહમતિ પણ વ્યક્ત કરી દીધી છે. શું એક્સની આ ટિપ્પણી વાંધાજનક નથી? શું પ્રશ્ર્ન એ નથી થતો કે અભિવ્યક્તિની સ્વતંત્રતા ચીન કે રશિયા જેવા દેશોમાં ક્યાં ચાલી જાય છે? ૨૦થી વધુ દેશ છે, જ્યાં એક્સ પ્રતિબંધિત છે! દરેક દેશને પોતાની હિત-ચિંતાનો હક છે, તેથી ભારત સરકારની ચિંતા પણ વાજબી છે. મને-કમને પણ એક્સે ઝૂકવું પડ્યું છે. લોકો ભૂલ્યા નથી કે કર્ણાટક હાઇકોર્ટે ગયા વર્ષે ૨૦૨૧ ટેકડાઉન આદેશોને પડકારતી ટ્વિટર (એક્સ)ની અરજીઓ ફગાવી દીધી હતી અને સમય પર કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેતાં આ અમેરિકન કંપની પર ૫૦ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. આ વખતે પણ કાર્યવાહીની બીકે જ તેણે આદેશોનું પાલન કર્યું.

સોશ્યિલ મીડિયા મંચોએ ભારતની ઉદારતાનો આદર કરવો જોઇએ. અહીં ઉદારતાનો મતલબ અનુશાસનહીનતા જરા પણ નથી. કોઈપણ સરકાર એ વાતને સ્વીકાર ન કરે કે તેના વિરુદ્ઘ સોશ્યલ મંચ પર અવિશ્વાસને ઉત્તેજન આપવામાં આવે. એવી ટિપ્પણીઓ પણ જોવા મળી છે જેમાં હિંસા ભડકાવવાનું કે લોકોને ઉશ્કેરવાનું કાવતરું સ્પષ્ટ જોઈ શકાય છે. પહેલા ખેડૂત આંદોલન સમયે જ દિલ્હીના લાલ કિલ્લા પર જે હિંસક હુમલો થયો હતો, તેને કોણ ભૂલી શકે? એવી કોઈ કોશિશને સમય રહેતાં નિષ્ફળ કરવામાં આવે તો તેમાં વાંધો નથી. દેશમાં સેવાઓ આપતા તમામ સોશ્યલ મીડિયા મંચોને સ્પષ્ટપણે એ સંદેશ આપવો જોઇએ કે ઉશ્કેરણીનું કોઈ કાવતરું ચલાવી નહીં લેવાય. કોઈપણ પ્રકારની માંગ માત્ર લોક્તંત્ર અને બંધારણના દાયરામાં હોય, એ સુનિશ્ચિત કરવામાં કોઈ બુરાઈ નથી. સોશ્યલ મીડિયામાં એવી અનેક ટિપ્પણીઓ જોવા મળે છે, જેના માટે કારવાસની સજા થઈ શકે છે કે દંડ થઈ શકે છે. જ્યાં સુધી એક્સનો સવાલ છે, તો આ કંપની પહેલેથી જ ૫૦ લાખ રૂપિયાના દંડથી બચવા માટે અદાલતોમાં અરજ કરી રહી છે. જોકે આવા મામલે અદાલતોએ વહેલો નિર્ણય કરવો જોઇએ. સોશ્યલ મીડિયા કંપનીઓની મનમાની પર લગામ લાગવી જ જોઇએ. એવા મંચો પર પોતાના વિચાર રજૂ કરનારાઓને ખબર હોવી જોઇએ કે કોઈપણ કાયદો કે સમાજ કે દેશવિરોધી ટિપ્પણી ભારે પડી શકે છે. સરકારના આદેશ પર ૪૨ એક્સ એકાઉન્ટ અને ૪૯ લીન્કને પ્રતિબંધિત કરવામાં આવી છે, પણ શું આટલું પૂરતું છે? નફરત ફેલાવનારા કે સામાજિક સદ્ભાવ સાથે રમત કરનારા જે પણ પક્ષ કે સંગઠન હોય, તે પ્રતિબંધ અને દંડના હકદાર છે.