’તારક મહેતા’ની દયાબેન, પતિ અને બાળકો સાથે કર્યો અશ્વમેઘ યજ્ઞ

મુંબઇ, ’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ દિશા વાકાણીને તેના ચાહકો આજે પણ દયાબેન તરીકે યાદ કરે છે. શોમાં હજુ સુધી તેનું સ્થાન કોઈએ લીધું નથી અને દર્શકોને હજુ પણ આશા છે કે તે કોઈ દિવસ પરત ફરશે. ઘણી વખત તેને રિપ્લેસ કરીને અન્ય એક્ટ્રેસને લાવવાની વાતો થાય છે પરંતુ આ બધી માત્ર અટકળો સાબિત થઈ છે. ટીવીથી દૂર રહ્યા બાદ દિશા બહુ ઓછા પ્રસંગોએ જોવા મળી છે.

દરમિયાન તેમણે તાજેતરમાં અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. તેમના પતિ મયુર પડિયા અને બંને બાળકો પણ તેમની સાથે હતા. વીડિયોમાં દિશા હવન કરી રહી છે. પછી તે આખા પરિવાર સાથે આરતી કરે છે. તેણે પીળા રંગની સાડી પહેરી છે. તેનો પતિ તેની બાજુમાં બેઠો છે. બંને બાળકો પૂજા દરમિયાન આરતી પણ કરે છે. મુંબઈમાં અખિલ વિશ્ર્વ ગાયત્રી પરિવાર દ્વારા અશ્વમેઘ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે ગાયત્રી પરિવારની કૃપાથી અમને મહારાષ્ટ્રમાં અશ્વમેઘ યજ્ઞ કરવાની તક મળી છે. આ માટે તે પોતાને ભાગ્યશાળી માને છે. ’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સેટ પર પણ તેણે ઘણી વખત ગાયત્રી માનો યજ્ઞ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવા યજ્ઞો ચાલુ રાખવા જોઈએ કારણ કે તેનાથી સારા વિચારો ઉત્પન્ન થાય છે અને બાળકોને ઘણું શીખવા મળે છે.