કોંગ્રેસ પરિવારવાદ અને કરપ્શનની આગળ વિચારી નથી શક્તી : પીએમ

નવીદિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે આ સૌથી જૂનો પક્ષ પરિવારવાદ, ભ્રષ્ટાચાર અને તુષ્ટીકરણથી આગળ વિચારી નથી શક્તો અને દેશનો વિકાસ ક્યારેય એના એજન્ડા પર રહ્યો નથી.

સ્વાતંત્ર્ય બાદ કોંગ્રેસ લાંબા સમય સુધી શાસન કર્યું, પરંતુ એનું ધ્યાન દેશનું ભાવિ ઘડવાને બદલે માત્ર સરકાર રચવા પર જ રહ્યું. મોદીએ વિકસિત ભારત, વિકસિત છત્તીસગઢ કાર્યક્રમને સંબોધવા દરમ્યાન આમ જણાવ્યું હતું. આજે પણ કોંગ્રેસની દશા અને દિશા એ જ છે જે વરસો પહેલાં હતી, એમ મોદીએ જણાવ્યું હતું.

આ પ્રસંગે તેમણે ૩૪,૪૦૦ કરોડ રૂપિયાના ૧૦ ડેવલપમેન્ટ પ્રોજક્ટની શિલારોપણવિધિ કરી હતી અને અમુક પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમપત કર્યા હતા અને જણાવ્યું હતું કે ભારત આગામી પાંચ વર્ષમાં જ્યારે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે ત્યારે છત્તીસગઢ વિકાસની નવી ઊંચાઈએ પહોંચશે. વડા પ્રધાન મોદીએ રાયગડ જિલ્લામાં નૅશનલ થર્મલ પાવર કૉર્પોરેશનના લારા સુપર થર્મલ પાવર પ્રોજેક્ટ સ્ટેજ-વન રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો અને લારા સુપર થર્મલ પાવર પ્રોજેક્ટ સ્ટેજ-ટૂની શિલારોપણવિધિ કરી હતી.