લુણાવાડા, ગતરોજ વ્યાજખોરોના ત્રાસથી મહીસાગરમાં એક યુવાને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. લુણાવાડાના બે વ્યાજખોરો સામે વ્યાજખોરી કરતા હોવાની લુણાવાડા ટાઉન પોલીસે ફરિયાદ નોંધાઇ હતી. ત્યારે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી હતી. લુણાવાડા ટાઉન પોલીસે બંને વ્યાજખોર આરોપી હિતેશ શંકરલાલ જોશી અને કમલેશ જગતનાથ તૈલી ઝડપી પાડ્યા છે.
અંદાજીત આજથી સાતેક મહીના અગાઉ લુણાવાડાના 35 વર્ષીય યુવક ફરીયાદી વસીમ ભટીયારાએ કમલેશ તૈલી અને હિતેશ જોશી પાસેથી અઢી અને ત્રણ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જે વ્યાજ સહિત નાણા આપી દેવા છતાં વધુ વ્યાજ તથા નાણાની ઉઘરાણી કરતા હતા અને વસીમભાઈએ આપેલા ચેકો બાઉન્સ કરવાની ધમકીઓ આપતા હતા. જેથી વસમીભાઈએ વ્યાજખોરીના ત્રાસથી કંટાળી જઇ ઉંદર મારવાની દવા પી લીધી હતી. જે બાદ તેમની પત્નીને આ અંગે જાણ થતાં પરિવારને જાણ કરી તાત્કાલિક લુણાવાડાની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે લુણાવાડા ટાઉન પોલીસ દ્વારા બંને આરોપીઓને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ પરિવાર જનો પણ આ વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.