લીમખેડાના દુધીયા ગામે જમીનના ઝગડામાં ચાર ઈસમોએ એક વ્યકિતના ધરે આવી બે વ્યકિતને ઇજાઓ થતાં ફરિયાદ

દાહોદ, દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના દુધીયા ગામે જમીન સંબંધી મામલે ચાર જેટલા ઈસમોએ ગેરકાયદેસર મંડળી બનાવી પોતાની સાથે મારક હથિયારો ધારણ કરી એક વ્યક્તિના ઘરે આવી બે વ્યક્તિઓને હથિયાર વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી ભારે ધિંગાણું મચાવ્યાંનું જાણવા મળે છે.

ગત તા.23મી ફેબ્રુઆરીના રોજ લીમખેડા તાલુકાના દુધીયા ગામે હાંડી ફળિયામાં રહેતાં મથુરભાઈ કમજીભાઈ ભાભોર, પિન્ટુભાઈ મથુરભાઈ ભાભોર, રીંકુભાઈ મથુરભાઈ ભાભોર તથા દિલીપભાઈ મથુરભાઈ ભાભોરનાઓએ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી બનાવી પોતાની સાથે હાથમાં ધારીયુ, કુહાડી અને લાકડી જેવા મારક હથિયારો ધારણ કરી પોતાના ગામમાં રહેતાં ભરતભાઈ નવલસીંગભાઈ ભાભોરના ઘરે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, આ જમીન અમારી છે અને તમોને ઘઉં કાપવા નહીં દઉં, તેમ કહી કુહાડીના હાથા વડે, ધારીયા વડે, લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી ભરતભાઈ અને નાનજીભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.

આ સંબંધે ઈજાગ્રસ્ત ભરતભાઈ નવલસીંગભાઈ ભાભોરે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.