દાહોદ, દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના ડુંગરી ગામે ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં બે વર્ષ પહેલા એક દંપતિની લાશ ઝાડ પરથી તેમજ ખેતરમાંથી મળી આવી હતી. જેમાં પાંચ ઈસમોએ અગાઉના ઝઘડાની અદાવત રાખી પાંચ ઈસમો દંપતિને મોતને ઘાટ ઉતાર્યાનું પોલીસ તપાસમાં સામે આવતાં આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાંતાં પોલીસે આરોપીઓના ધરપકડના ચક્રોગતિમાન કર્યાનું જાણવા મળે છે.
વર્ષ 2021ના વર્ષમાં તારીખ 24.02.2021ના રોજ ઝાલોદ તાલુકાના ડુંગરી ગામે રહેતા રાજુભાઈ તેરસીંગભાઈ માવીનો મૃતદેહ ગામમાં લીમડીની ડાળીએ લટકતી હાલતમાં તેમજ તેમની પત્નિ મીનાબેન રાજુભાઈ માવીનો મૃતદેહ લીમડાના ઝાડથી થોડે દુર ખેતરમાંથી મળી આવી હતી. આ મામલે જે તે સમયે મૃતકના પરિવારજનોએ લીમડી પોલીસ મથકે અકસ્માત મોત અંગેની ફરિયાદ નોંધાંવી હતી. ત્યારે પોલીસે ત્યાર બાદ આ મામલે તપાસનો ધમધમાટ આરંભ કર્યો હતો અને આખરે આ દંપતિને મોતને ઘાટ ઉતાર્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવતાં પરિવારજનો સહિત ગ્રામજનોમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો. ઝાલોદ તાલુકાના ડુંગરી ગામે રહેતાં રમીલાભાઈ બાદલભાઈ મકવાણા, અરવિંદભાઈ રમીલાભાઈ મકવાણા, શાંતિલાલ રાણજીભાઈ ડામોર, ચુનીયાભાઈ સીસકાભાઈ ભગોરા અને રતનાભાઈ છગનભાઈ જામોરનાઓની સાથે મૃતક દંપતિ સાથે જેતે સમયે દંપતિની લાશ મળી આવી તેના એક અઠવાડીયા અગાઉ ઝઘડો તકરાર થયો હતો. જેની અદાવત રાખી ઉપરોક્ત પાંચેય ઈસમોએ દંપતિને મોતને ઘાટ ઉતારી જેમાં રાજુભાઈને લીમડાના ઝાડની ડાળી પર લટકાવી દઈ તેમજ તેમની પત્નિ મીનાબેનને લીમડાના ઝાડથી થોડે દુર આવેલ એક ખેતરમાં ગળુ દબાવી મારી નાંખી હતી. ત્યારે સમગ્ર મામલે બે વર્ષ બાદ ઘટના પરથી પડદો ઉચકાતાં પોલીસે તમામ આરોપીઓના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.
આ સંબંધે મૃતક રાજુભાઈ તેરસીંગભાઈ માવીના પિતા તેરસીંગભાઈ શકરીયાભાઈ માવીએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.