લુણાવાડા, લુણાવાડામાં જીએસટી વિભાગ દ્વારા ઓચિંતો જથ્થાબંધ વેપારી રાજેશ એન્ડ કુા.માં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. જીએસટી વિભાગની ઓચિંતી તપાસને પગલે લોકોના ટોળા ઉમટી પડયા હતા. જોકે બીજા દિવસે પણ કેટલી ગેરરિતી પકડાઈ છે કે નહિ તે અંગેનુ રહસ્ય અકબંધ છે. અગાઉ પણ લુણાવાડાના અનેક વેપારીઓને ત્યાં જીએસટીના દરોડા પડ્યા હતા.
મહિસાગર જિલ્લાના વેપારીઓ અલગ અલગ કિમીયા વાપરી મોટાપાયે જીએસટી ચોરી કરતા હોવાની બુમો ઉઠવા પામી હતી. કેટલાક વેપારીઓ દ્વારા ગ્રાહકને પાકું બિલ પણ આપવામાં આવતુ ન હોવાની ફરિયાદો ઉઠી છે ત્યારે લુણાવાડાના રાજેશ એન્ડ કુા.નામના વેપારીને ત્યાં સવારથી માંડી રાત સુધી જીએસટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. ઉલ્લેખિય છે કે,ખાંડ-તેલના જથ્થાબંધ વેપારીને ત્યાં જીએસટી વિભાગ દ્વારા બંધ બારણે આ સમગ્ર તપાસ કરવામાં આવી હતી ત્યારે મોડી રાતે રાજેશ એન્ડ કુા.નામના જથ્થાબંધ વેપારીને ત્યાં પડેલા દરોડામાં જીએસટી વિભાગ દ્વારા શુ કાર્યવાહી કરવામાં અને કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી તે અંગેની ચર્ચાઓ ચાલી રહી છે. આ અંગે જીએસટી વિભાગના કર્મચારીઓને પુછતા તેઓએ કંઈપણ કહેવાનુ ટાળ્યુ હતુ. ઉલ્લેખનિય છે કે,રાજેશ એન્ડ કુા.નામના જથ્થાબંધ વેપારીને ત્યાં અગાઉ પણ ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જે તેલના જે સેમ્પલો ફેઈલ આવતા તેમની સામે પણ કાર્યવાહી કરી દંડ વસુલવામાં આવ્યો હતો. જીએસટીના સર્ચથી લુણાવાડાના અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.