લુણાવાડા, કોઠંબાના પેટા ફળિયા વાંકોડા ગામે સરકારી જમીનમાં દબાણ દુર કરવા રહિશો દ્વારા તાલુકા અને મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં રજુઆત કર્યા બાદ મહિસાગર કલેકટર દ્વારા તાત્કાલિક ધોરણે દબાણ દુર કરવ આદેશ કરાયા છે. છતાં પણ તંત્રની ઉદાસીનતાથી આજેપણ દબાણ યથાવત જોવા મળી રહેલ છે.
વાંકોડા ગામની રે.સ.નં.743ની 21 ગુંઠા જમીન સરકારી પડતર છે. પરંતુ સ્થળ ઉપર જમીન અદ્રશ્ય થઈ ગયેલ છે. જેની રજુઆત ફળિયાના રહિશો દ્વારા કરાતા કલેકટર દ્વારા તલાટીને દબાણ હટાવવા જણાવેલ પરંતુ છ માસ વિતવા છતાં આજદિન સુધી કોઈ જ પરિણપામ મળેલ નથી. સરકારી જમીનમાં દબાણ કરી રસ્તામાં અડચણ ઉભી કરી 40 મકાનોના રહિશો માટે કાયમી ધોરણે મુશ્કેલી સર્જા છે. ઈમરજન્સી પણ આવી શકે તેમ નથી. સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિંગના નવા કાયદા મુજબ સરકારી જમીન પર દબાણ હટાવી રસ્તો ખુલ્લો કરી જે જમીન છે તેમાં આંગણવાડી અને પુસ્તકાલય જે ભાડાના મકાનમાં છે તે ત્યાં બનાવી શકાય તેમ છે. કલેકટરની સુચના હોવા છતાં પંચાયતના સત્તાધિશો આદેશનોે ધોળીને પી ગયા છે. જો આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નહિ આવે તો આગળના સમયમાં ઉપવાસ પર ઉતરવાની પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છે.