કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ (Ashwini Vaishnaw) શુક્રવારે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન (Mumbai – Ahmedabad Bullet Train) કૉરિડોરની મુલાકાત લીધી. આ કૉરિડોરનું નવેમ્બર ૨૦૨૧માં કામ શરૂ થયું ત્યારથી સતત પ્રગતિ પર છે. તેમણે એક નિર્માણાધીન ટનલની પણ સમીક્ષા કરી. આ દરમિયાન રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે આ પ્રોજેક્ટમાં થયેલા વિલંબ બદલ અગાઉની ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) સરકારને જવાબદાર ઠેરવી છે.
રેલ્વે મંત્રી ભારતના પ્રથમ હાઈ સ્પીડ કૉરિડોર પ્રોજેક્ટની નિયમિત સમીક્ષા કરી રહ્યા છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કૉરિડોરની મુલાકાત દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતી વખતે અશ્વિની વૈષ્ણવે પાણીની અંદરની રેલ ટનલ અને પ્રોજેક્ટની વિગતવાર માહિતી આપી હતી. વૈષ્ણવે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની ભૂતપૂર્વ મહારાષ્ટ્ર સરકાર પર પણ તેમના કાર્યકાળ દરમિયાન મેગા પ્રોજેક્ટ માટે પરવાનગી ન આપવાનો આરોપ લગાવ્યો હતો.
શુક્રવારે અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ‘આ ટનલ 21km લાંબી છે, જેમાંથી 7km દરિયાની અંદર હશે. સૌથી ઊંડો બિંદુ 56mtr પાણીની અંદર છે. આ ટનલ લગભગ 40 ફૂટ પહોળી છે. ટ્રેન ટનલની અંદર 320km/hrની ઝડપે આગળ વધી શકશે. જ્યારે મહારાષ્ટ્ર સરકાર ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળ હતી, ત્યારે તેમણે આ પ્રોજેક્ટ માટે પરવાનગી આપી ન હતી. પરંતુ જ્યારે મહારાષ્ટ્ર એકનાથ શિંદેએ ચાર્જ સંભાળ્યો, ત્યારે અમને મંજૂરી મળી.’
‘પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે, કેટલીક નવીનતાઓ કરવામાં આવી છે. ચાર દિશામાંથી એક સાથે કામ ચાલી રહ્યું છે. આ ભારતનો પ્રથમ હાઇ-સ્પીડ કૉરિડોર પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટમાં અમારો સૌથી મોટો ઉદ્દેશ્ય જટિલતા અને ક્ષમતાને સમજવાનો છે.’, એમ કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે ઉમેર્યું હતું.
હાઇ સ્પીડ રેલ નેટવર્કના સંચાલનમાં લાગેલા સમય વિશે વધુ વાત કરતાં વૈષ્ણવે જણાવ્યું હતું કે, ‘આ હાઇ-સ્પીડ ટ્રેનનો પહેલો સેક્શન જુલાઈ-ઓગસ્ટ ૨૦૨૬માં સુરત અને બીલીમોરા વચ્ચે ખુલશે. હાઇ-સ્પીડ રેલવે પ્રોજેક્ટમાં શિંકનસેન સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી રહી છે. તે વિશ્વની સૌથી સુરક્ષિત સિસ્ટમોમાંની એક છે.’
અશ્ચિની વૈષ્ણવે વિક્રોલી શાફ્ટ ખાતે ટનલ ખોદવાના કામ માટે પ્રથમ રિમોટ-કંટ્રોલ્ડ બ્લાસ્ટિંગ હાથ ધર્યું હતું, જે ટનલ બોરિંગ કામગીરીની શરૂઆત દર્શાવે છે.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન ગુજરાતમાં ૨૫૦ કિલોમીટરથી વધુ ગર્ડરનું લોકાર્પણ થઈ ચૂક્યું છે. દરમિયાન, મુંબઈમાં રેલવેએ ૨૧ કિલોમીટર લાંબી ટનલ બનાવવા માટે ચાર સ્થળોએ ઊંડા ખોદકામનું કામ શરૂ કર્યું છે. ઘણસોલી નજીક વિક્રોલી, થાણે, સાવલી ખાતે હાલમાં કામ ચાલી રહ્યું છે, જે તમામ ભૂગર્ભ રેલ ટનલના પ્રવેશ બિંદુઓ છે. ૫૬ મીટર ભૂગર્ભમાં, ટનલનો સૌથી ઊંડો વિસ્તાર વિક્રોલીમાં હશે, જેના માટે ગોદરેજ એન્ડ બોયસ દ્વારા ફેબ્રુઆરી ૨૦૨૩માં નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)ને જમીન સોંપવામાં આવી હતી.
સોમવારે, નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) કે જેને પ્રોજેક્ટની દેખરેખનું કામ સોંપવામાં આવ્યું છે તેણે બુલેટ ટ્રેન માટે એક ટનલનો વીડિયો શેર કર્યો હતો.