વડાપ્રધાનના રોડ-શોનાં રૂટ પર રામમંદિર ની થીમ: ભુદેવો મંત્રોચ્ચાર કરશે

રાજકોટ,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમનને વધાવવા માટે રાજકોટ શહેર ભાજપમાં અનેરો ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. વડાપ્રધાન મોદીનું કાઠીયાવાડી પરંપરાથી ભવ્ય સ્વાગત કરવામાં આવનાર છે. આ અંગે શહેર ભાજપના પ્રમુખ મુકેશ દોશી દ્વારા ૧૦૦થી વધુ વિવિધ સમાજના આગેવાનો સાથે બેઠક આયોજીત કરવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો રોડ શો અને જંગી જાહેરસભા ઐતિહાસિક બની રહે તે માટે માઈક્રો પ્લાનીંગ સાથે તૈયારીઓ કરવામાં આવી રહી છે. રોડ શોના માર્ગ પર રામમંદિરની થીમ ઉભી કરાશે. ૮૦૦ મીટરના રોડ શોમાં દરેક સમાજના લોકો પરંપરાગત પોતાના પોશાકમાં સજજ રહી વડાપ્રધાનનું અભિવાદન ઝીલશે. તેમજ ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર કરી વાતાવરણને દિવ્ય બનાવશે. રોડ શોમાં સ્ટેજ ઉપરથી શીખ, સંધી, તુરી, બારોટ પોતપોતાના વાજીંત્ર સાથે ઉપસ્થિત રહી વડાપ્રધાન મોદીનું સ્વાગત કરશે.

આ પ્રસંગે ઉપસ્થિત રહેવા માટે શહેરના ૫૦૦થી વધુ મંદિરના પુજારીઓ અને સાધુ સંતોને નિમંત્રણ પાઠવી દેવામાં આવેલ છે. આ પ્રસંગે કલાકારો દ્વારા સંગીત સંધ્યા , માલધારી સમાજ દ્વારા રાસ મંડળી, ક્ષત્રીય સમાજ દ્વારા બહેનો પરંપરાગત પોશાકમાં સજજ બની કાર્યક્રમ રજૂ કરશે. યોગ બોર્ડ દ્વારા લાઈવ કાર્યક્રમ યોજાશે.

શહેર ભાજપના પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો. માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાએ વિશેષમાં આ અંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીના આ કાર્યક્રમ સંદર્ભે મેયર બંગલા ખાતે ૧૦૦થી વધુ બેઠકો યોજવામાં આવી છે. વિવિધ સમાજના આગેવાનો તેમજ અનેકવિધ સંસ્થાઓ સાથે આ બેઠક યોજવામાં આવી છે. વડાપ્રધાનના આ કાર્યક્રમમાં જંગી જનમેદનીને ઉમટી પડવા માટે આહવાન કરવામાં આવેલ છે. વડાપ્રધાનના આ રોડ શોમાં એરપોર્ટથી લઈ રેસકોર્ષ ગ્રાઉન્ડ સુધીના રૂટ પર રંગબેરંગી ફુગાઓ ભાજપના ધજા પતાકાઓ ટોપી કેસરીયા ખેસ સાથે દેશભક્તિના ગીતો સાથે વાતાવરણ ગુંજી ઉઠશે.