મંત્રણાની જરૂર

કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ દિલ્હી ચલોની જીદ પકડેલા પંજાબના ખેડૂત સંગઠનો સાથે તેમના તમામ મુદ્દાઓ પર પાંચમા દોરની મંત્રણાનો જે આગ્રહ કર્યો, તેના પર ખેડૂત નેતાઓએ ગંભીરતા દેખાડવી જોઇએ. કારણકે હરિયાણા સીમા પર ખેડૂતો અને પોલીસમાં ટકરાવની આશંકા વધતી જાય છે. તેનુંકારણ એ છેકે ખેડૂત સંગઠન હરિયાણા અને પછી દિલ્હીમાં બળપૂર્વક પ્રવેશ કરવા માટે જેસીબી અને પોકલેન જેવા મશીનો સાથે પોતાના ટ્રેક્ટરોને બખ્તરબંધ બનાવીને સડકો પર અડ્ડો જમાવ્યો છે. તેઓ ડ્રોનને તોડી પાડવાનાં કરતૂત કરવાની સાથે જ પરાળમાં મરચું ભેળવીને પણ બાળી રહ્યા છે. આખરે આવી રીતભાતો કરનારા ઉત્પાતિયા તત્ત્વો કેવી રીતે દાવો કરી શકે કે તેઓ શાંતિપૂર્ણ રીતે આંદોલન કરવા માગે છે? ખેડૂત નેતાઓએ ચોથા દોરની મંત્રણામાં કેન્દ્રીય મંત્રીઓ તરફથી આપવામાં આવેલ એ પ્રસ્તાવને ફગાવીને પણ નકારાત્મક વલણનો પરિચય આપ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે સરકારી એજન્સીઓ પાંચ વર્ષ સુધી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે દાળ, મકાઇ અને કપાસ ખરીદશે અને તેની ખરીદીની કોઈ સીમા નહીં હોય. આ તો એમએસપીની ગેરંટી જ હતી. આ પ્રસ્તાવ પર પહેલાં તો ખેડૂત નેતાઓએ એમ કહ્યું કે તેઓ એના પર કૃષિ વિશેષજ્ઞો સાથે વાત કરીને સરકારને સૂચિત કરશે, પરંતુ પછી થોડા જ કલાકોમાં તેને ઠુકરાવી દીધું.

દિલ્હી કૂચને બે દિવસ ટાળીને આગામી રણનીતિ બનાવી રહેલા ખેડૂત નેતાઓ કેન્દ્રના પ્રસ્તાવ પર ઠંડા દિમાગથી વિચાર કરવો જોઇએ, કારણ કે તે પંજાબના ખેડૂતો માટે વિશેષ રૂપે લાભદાયક છે. એનાથી ન માત્ર ઘટતું ભૂજળ સ્તર સુધરશે, બલ્કે ખેતીની જમીનને બંજર થતાં પણ રોકી શકાશે. એમ તો દેશના અન્ય હિસ્સાના ખેડૂતોને પણ ઘઉં-ધાન્યને બદલે વધુ માંગ અને ઓછા પાણીવાળા પાક ઉગાડવા જોઇએ, પરંતુ એવું સૌથી વધુ પંજાબના ખેડૂતોએ કરવાની જરૂર છે. પંજાબની ખેતીની એક મોટી સમસ્યા જ ઘઉં-ધાન્યના પાકો પર વધુ જોર આપવાનું છે. એક મુશ્કેલી એ પણ છે કે પંજાબના વચેટિયાઓ બીજા રાજ્યોથી ધાન્ય ખરીદીને પોતાને ત્યાં લઈ જાય છે. તેની પણ અવગણના ન કરી શકાય કે ઘઉં-ધાન્યની ટેકાના ભાવે ખરીદીનો સૌથી વધુ લાભ પંજાબના ખેડૂતો ઉઠાવે છે. શું એ ઠીક છે કે જે ખેડૂતો ટેકાના ભાવથી સૌથી વધુ લાભ ઉઠાવી રહ્યા છે, તેઓ વાતે-વાતે આંદોલનનો રસ્તો પકડી રહ્યા છે? એનો ઇનકાર ન કરી શકાય કે ખેડૂતો સમસ્યાઓથી ઘેરાયેલા છે, પરંતુ પંજાબના ખેડૂત સંગઠનોની એ જીદ સમજાતી નથી કે કેન્દ્ર સરકાર બિલકુલ એવું જ કરે, જેવું તેઓ કહી રહ્યા છે! એવી જીદને કારણે જે ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચાયા, તેનાથી પહેલાં જ ખેડૂતોનું અહિત થઈ ચૂક્યું છે. ખેડૂત નેતા પાંચમા દોરની વાર્તા માટે આગળ આવે, તેના માટે પંજાબ સરકારે પણ પહેલ કરવી જોઇએ. આખરે એની પણ કેટલીક જવાબદારી બને છે, કારણ કે ખેતી એ મૂળ તો રાજ્યોનો વિષય છે.