વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનને દાહોદમાં લાગ્યું ગ્રહણ.

  • એસટીના કમાઉ દીકરા ગણાતા દાહોદ બસ સ્ટેશનની દુર્દશા.
  • ચોતરફ ગંદકી તેમજ નર્કાગાર જેવી પરિસ્થતિની વચ્ચે પસાર થતા મુસાફરો.
  • કરોડોના ખર્ચે બનેલા બસ સ્ટેશનમાં ગંદકીમાં પસાર થવા મજબુર મુસાફરો.

દાહોદ,
સ્માર્ટ સીટીનું દાહોદ શહેરનું સ્માર્ટ બસ સ્ટેશન સબળ નેતાગીરીના અભાવે તેમજ એસટી વિભાગની નિષ્કળજીના લીધે પ્રાથમિક સુવિધાઓ માટે ઝઝુમી રહ્યો રહ્યો છે.જેના લીધે સાત વર્ષ પૂર્વે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા નવીન બસ સ્ટેશનમાં હાલ નર્કાગાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થતાં એસટી મારફતે અવરજવર કરતા હજારો મુસાફરોને ભારે હાલાકી ભોગવવા મજબુર બન્યા છે. દાહોદના આ બસ સ્ટેશનમાં કોરોના વૈશ્ર્વિક મહામારીના સમયમાં પણ અસહ્ય ગંદકી, પાણીનો ઉભરાટ, ગટરના ગંદા પાણી હરહંમેશની માફક અને હવે તો જાણે બારે માસ જોવા મળી રહ્યા છે.જેના લીધે આવનારા સમયમાં બસ સ્ટેશનના આસપાસના વિસ્તારોમાં ભયંકર રોગચાળો ફાટી નીકળવાની ભીતી સેવાઈ રહી છે. આખા વર્ષ દરમિયાન સતત ટ્રાફિકથી ધમધમતા તેમજ એસટી વિભાગના કમાઉ દીકરા ગણાતા દાહોદ બસ સ્ટેશનમાં હાલત બદ થી બદતર થઇ રહ્યા છે. સ્થાનિક આગેવાનો તેમજ વહીવટી તંત્ર દ્વારા બસ સ્ટેશનને નર્કાગાર પરિસ્થિતિ બહાર કાઢી સ્વચ્છ અને રળીયામળું બનાવે તેવી પ્રવર્તમાન સંજોગોમાં લાગણી તેમજ માંગણી ઉઠવા પામી છે.
બોકસ: એસ.ટી વિભાગની નિષ્કાળજી તેમજ સબળ નેતાગીરીના આભાવે સાત વર્ષ પૂર્વે કરોડોના ખર્ચે બનેલા નવીન બસ મથકના હાલ બદથી બદતર થયા…

દાહોદ જિલ્લા બન્યા બાદ બદલાતા સમયના વહેણમાં રાજ્ય સરકાર દ્વારા જુના બસ સ્ટેશનને તોડી કરોડો રૂપિયાના ખર્ચે નવું બસ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું. પરંતુ વર્કશોપ તેમજ ડીઝલ પંપ સહીતના વિસ્તારને કયાપલટ કરવામાં કોઈક કારણોસર બાકી રાખી દેવામાં આવ્યું હતું.

જોકે છ વર્ષના ટૂંકાગાળામાં બસ સ્ટેશન તેમજ વર્કશોપમાં ગટરના પાણી અસહય ગંદકીના કારણે બસ સ્ટેશનમાં નર્કાગાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામેલ છે. બસ મારફતે રોજ બરોજ અપડાઉન કરતા નોકરિયાતો, વેપારીઓ મજુર વર્ગ તેમજ મુસાફરો ગંદા પાણીના ખાબોચિયામાંથી પસાર થવા માટે મજબુર બન્યા છે.કેટલાક મુસાફરો તેમજ પ્રવાસીઓ દ્વારા રજૂઆત કર્યા બાદ પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે.

બસ સ્ટેશનની શુદ્ધ પીવાના પાણીની પરબ એસટી વિભાગના સત્તાધીશોની બેજવાબદારી તેમજ લાપરવાહીના કારણે પાર્કિંગમાં તબદીલ:મજૂરવર્ગ વેચાતો પાણી પીવા મજબુર:બસ સ્ટેશન પરિસરમાં પ્રાથમિક સુવિધાના નામે મીંડું.

દાહોદ બસ સ્ટેશનમાં મુસાફરોને પીવાના પાણી માટે પરબ બનાવવામાં આવી હતી. તે પણ લુપ્ત થઈ ગઈ છે. હાલ આ પરબનો ઉપયોગ વાહન પાર્કિંગમાં થઇ રહ્યો છે. આ પીવાના પાણીની પરબની પાઈપ લાઈનનો ઉપયોગ નજીકમાં આવેલ કેન્ટીન અને બસ ડેપોમાં તેમજ નજીકની ચાહ્ની લારીઓને સપ્લાઈ કરવામાં આવતું હોવાના પણ જાહેરમાં આક્ષેપો ઉઠવા પામ્યા છે.પરંતુ મુસાફરો માટે ઉભુ કરવામાં આવેલ આ પાણીની પરબ માટે મુસાફરો વેખલા કરવા પડે છે. મુસાફરોની કેન્ટીનમાંથી મોંઘા ભારે પાણીની બોટલો ખરીદવાની ફરજો પડી રહી છે.

સ્માર્ટ સીટીના બસ મથકમાં ગટરના પાણી બસ સ્ટેશનમાં ઘુસ્યા:સુલભ સૌચાલય જેવી સુવિધા બાદ પણ જાહેરમાં લઘુશંકા કરતા પ્રવાસીઓ તેમજ મજુર વર્ગ

વડા પ્રધાન મોદીએ સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત જાહેરમાં સોચ ક્રિયા બંધ કરવા માટે સુલભ સૌચાલય જેવી વ્યવસ્થા ઉભી કરવા કરોડો રૂપિયાની લ્હાણી કરી છે. તેમજ દાહોદ બસ સ્ટેશનમાં પણ સુલભ શૌચાલયની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પણ દાહોદ બસ સ્ટેશનમાં ગટરના પાણી તેમજ જમીનમાંથી ફૂટતા ગંદા પાણી બારેમાસ વર્કશોપ સહીતના આસપાસના વિસ્તારોમાં ફરી ખાબોચિયાનું સ્વરૂપ ધારણ કરી લીધા છે. સફાઈ કર્મીઓના અનિયમિતતાના લીધે વર્કશોપ સહિતના આસપાસના વિસ્તારમાં ઠેર-ઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે.ત્યારે બહાર ગામથી આવતા મજુર વર્ગ તેમજ મુસાફરો આવી ગંદકીના ઢગલા જોઈ ખુલ્લામાં શૌચક્રિયા કરી રહ્યા છે. જોકે આ બાબતે શૌચાલય અંગેની જનજાગૃતિના અભાવે તેમજ સુલભ સૌચાલય સંચાલકોની મનમાનીના કારણે લોકો ખુલ્લામાં શૌચ ક્રિયા કરી રહ્યા હોવાનું મનાઈ રહ્યું છે.

ચોવીસ કલાક ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા બસ સ્ટેશનની સાફસફાઈ માત્ર 6 સ્વીપરોના માથે.

દાહોદ બસ સ્ટેશનની સાફસફાઈનો કોન્ટ્રાક્ટ ભાવનગરની શિવશક્તિ સફાઈ કામદાર વિકાસ મંડળીને આપવામાં આવ્યો છે. થતાં આક્ષેપો પ્રમાણે આ કોન્ટ્રાક્ટરની મંડળી દ્વારા કોઈ પણ જાતની બસ સ્ટેશનમાં સાફ સફાઈ અંગે કોઈ ધ્યાન રાખવામાં આવતું નથી. બસ સ્ટેશનમાં કુલ 8 સફાઈ કામદારો રાખવામાં આવ્યો છે. જેમાંથી બે સુલભ શૌચાલયોમાં ફીક્સ છે અને બાકીના 6 સફાઈકામદારો બસ સ્ટેશનની સફાઈ કરે છે. ચોવીસ કલાક સતત ટ્રાફિકથી ધમધમતા રહેતા તેમજ વિશાળ કેમ્પસ ધરાવતા બસ સ્ટેશન તેમજ વર્કશોપ સહિતના આસપાસના વિસ્તારમની સાફસફાઈ માત્ર 6 સફાઈ કામદારો ફાળવેલા હોવાથી બસ સ્ટેશન પરિસરમાં સાફસફાઈ સમયસર અને નિયમિતરૂપે થતી નથી. તેમજ આ સફાઈ કામદારોમાં પણ આળસ હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે. તેવા સંજોગોમાં બસ સ્ટેશનમાં કેવા પ્રકારની સાફ સફાઈ થતી હશે તે કલ્પના કરી શકાય તેમ છે.