ગાંધીનગરમાં જૂની પેન્શન યોજના સહિતની માંગણીઓને લઈને સરકારી કર્મચારીઓના ધરણા

ગાંધીનગર, લોક્સભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ફરી એકવાર સરકારી કર્મચારી ઓએ પોતાની પડતર માંગણીઓને લઈને ગાંધીનગરમાં આંદોલન શરુ કર્યું છે. ગાંધીનગર માં સત્યાગ્રહ છાવણીમાં આજે સરકારી કર્મચારીઓ દેખાવ કર્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સંયુક્ત કર્મચારી મહામંડળ તરફથી આ વિરોધ પ્રદર્શનની જાહેરાત કરવામાં આવી છે. હાલ આ વિરોધ પ્રદર્શનને કારણે સત્યાગ્રહ છાવણીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે પણ ગુજરાતમાં જુની પેન્શન યોજના માટે આંદોલન શરૂ થયુ હતુ ત્યારે હવે લોક્સભાની ચૂંટણી નજીક આવી રહી હોઈ ગુજરાત સરકાર માટે જુની પેન્શન યોજનાનો મુદ્દો માથાના દુખાવા સમાન બની રહ્યો છે. કારણકે ઘણા સમયથી કર્મચારીઓ ઉગ્ર માંગણી કરી રહ્યા છે અને કેટલાક રાજ્યમાં નવી પેન્શન યોજનાને રદ કરીને જુની પેન્શન યોજના લાગુ કરી દેવાઈ છે. રાજ્યના સરકારી કર્મચારીઓ પણ ગુજરાતમાં ફરીથી જુની પેન્શન યોજના શરુ કરવાની માંગ કરી રહ્યા છે. આ ઉપરાંત વિવિધ માંગણી મુદ્દે ધરણા પર ઉતર્યા છે. કર્મચારીઓ આજે ત્રણ વાગ્યા સુધી ધરણા કરશે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ૧૬મી સપ્ટેમ્બરે સરકાર સાથેની બેઠકમાં કોઈ ઉકેલ ન આવતા ફરી એકવાર ઉગ્ર વિરોધ શરુ કર્યો છે. હાલ સત્યાગ્રહ છાવણીમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

રાજયની સરકારી-ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકો તેમજ સરકારી ટેકનિકલ કોલેજના અયાપકો સહિતના વિવિધ સરકારી કર્મચારીઓ દ્વારા જુની પેન્શન યોજનાની માંગ સાથે આંદોલન શરૂ કરવામા આવ્યુ છે. જુની પેન્શન યોજનામાં સમાવીને ફિક્સ પગારી યોજના દૂર કરવા સહિતની માંગો કરવામા આવી રહી છે. અગાઉ અયાપકો-શિક્ષકો દ્વારા ૧૪મી અને ૧૬મી ફેબ્રુઆરીએ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવવામા આવી હતી.