નવીદિલ્હી, દેશમાં આગામી મહિનાના મયમાં જાહેર થઇ શક્તી લોક્સભા ચૂંટણી પૂર્વે ભાજપે હવે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા પણ તેજ બનાવી છે અને ઉતરપ્રદેશ સહિતના રાજયોમાં ૧૦૦ જેટલી બેઠકોના ઉમેદવારોની યાદી તૈયાર થઇ ગઇ છે તા.૨૯ના રોજ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળી શકે છે અને તેમાં આ યાદીને મંજુરી આપીને માર્ચના પ્રથમ સપ્તાહમાં ભાજપ પ્રથમ યાદી જાહેર કરશે.
લોક્સભા ચૂંટણીમાં ભાજપનું બેકડોર મંથન ઝડપી બની ગયું છે. પક્ષના સુત્રોના જણાવ્યા મુજબ જે ૧૨૦ બેઠકો ભાજપે તેના માટે મુશ્કેલ કેટેગરીમાં મૂકી છે. તેમાંથી ૧૦૦ બેઠકો પર પક્ષે ઉમેદવારોની પસંદગી કરી લીધી છે જેમાં ઉતરપ્રદેશ, બંગાળ, મહારાષ્ટ્ર અને તામિલનાડુ જેવા રાજયો છે. તેમાં ૨૦૧૯માં ભાજપને પરાજય સહન કરવો પડયો હતો. પરંતુ જેમ ધારાસભા ચૂંટણીમાં ભાજપે મધ્યપ્રદેશ , રાજસ્થાન જેવા મહત્વના રાજયોમાં ૨૦૧૮માં ગુમાવેલી બેઠકો પર પહેલા ઉમેદવારો જાહેર કર્યા અને સાથોસાથ પક્ષના અન્ય દિગ્ગજોને આ બેઠક જીતી લાવવા પડકાર ફેંકયો તે ફોર્મ્યુલા સફળ રહી છે અને તે લોક્સભામાં અપનાવે તેવી ધારણા છે.
પક્ષે ૨૦૧૯ના પરિણામોના આધારે ટફ બેઠકોને વધુ પ્રાધાન્ય આપવાની નીતિ નકકી કરી છે. ગુજરાત સહિતના અનેક રાજયો જયાં ભાજપનો ચૂંટણી સ્ટ્રાઇક રેટ ૧૦૦ ટકા કે તેની આસપાસ રહ્યો છે ત્યાં પક્ષ માર્ચના બીજા સપ્તાહ બાદ ઉમેદવારો જાહેર કરશે. ૨૯ ફેબ્રુઆરીના રોજ ભાજપની મધ્યસ્થી ચૂંટણી સમિતિ અને પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળી રહી છે અને તેમાં પક્ષે આ યાદી મુકવા નિર્ણય લીધો છે.
૨૯ના આ બેઠક અગાઉ તા. ૨૨ના રોજ થવાની હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના કાર્યક્રમો, ખેડુત આંદોલન અને વિપક્ષની રણનીતિ આ તમામ ફેકટર વિચાર્યા બાદ તા. ૨૯ના રોજ બેઠક બોલાવાય છે. સુત્રોના જણાવ્યા મુજબ પાંચ રાજયોમાં ભાજપે નબળી બેઠકોને માટે હાલમાં જે રાજયસભામાંથી કેન્દ્રીય મંત્રીઓ રીપીટ ન થયા તેમાંથી અનેકને ઉમેદવાર બનાવી શકાય છે.
એટલું જ નહીં પક્ષ આ ઉપરાંત કેટલાક નવા ચહેરાઓને પણ આ બેઠકમાં ઉમેદવાર બનાવીને મતદારોને આકર્ષવા પ્રયત્ન કરશે. ભાજપે જયાં મહત્વના સાથી પક્ષ નથી અને સોલો આગળ વધી શકે છે તે રાજયોને પસંદ કર્યા છે. સુત્રોના જણાવ્યા મુજબ બાદમાં વિપક્ષી ગઠબંધનનું ચિત્ર સ્પષ્ટ થતા જ પક્ષ એક બાદ એક યાદી જાહેર કરતા રહેશેે.