ખેડૂત આંદોલનને લગતાં સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લોક કરવા આદેશ

નવીદિલ્હી,ગૃહ મંત્રાલય સૂચનાને પગલે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ખેડૂતોના આંદોલન સાથે જોડાયેલા ૧૭૭ એકાઉન્ટને અસ્થાયી રૂપે બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. ગુરુવારે વહેલી સવારે એક્સ (ટ્વીટર)ની ગ્લોબલ ગવર્નમેન્ટ અફેર્સ પર લખવામાં આવેલી એક પોસ્ટમાં કંપનીએ આ પગલા સાથે અસંમતી દર્શાવીને જણાવ્યું હતું કે અભિવ્યક્તિની સ્વતંત્રતાના આધારે પોસ્ટને અટકાવી જોઈએ નહીં.

જોકે તે ભારત સરકારના આદેશનું પાલન કરશે. આદેશોનું પાલન કરીને અમે એકલા ભારતમાં આ એકાઉન્ટ્સ અને પોસ્ટ્સને બ્લોક કરીશું. સરકારના આદેશ અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે જનતા જાણે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકશાહીની હત્યા કરી છે અને જનતા તેનો જવાબ આપશે. જો ખેડૂતો એમએસપી માંગે, તો તેમને ગોળી મારી દો – શું આ છે લોકશાહી? યુવાનો નોકરી માગે, તો તેમની વાત સાંભળવાનો પણ ઇનકાર કરો – શું આ લોકશાહી છે? જો ભૂતપૂર્વ રાજ્યપાલ સાચું કહે છે, તો તેમના ઘરે સીબીઆઈ મોકલવામાં આવે છે. મોદીજી, જનતા જાણે છે કે તમે લોકશાહીની હત્યા કરી છે અને જનતા જવાબ આપશે.