જમ્મુ અને કાશ્મીરમાં ભૂસ્ખલન, બરફના તોફાનમાં ૨નાં મોત

શ્રીનગર, જમ્મુ અને શ્રીનગરમાં ભૂસ્ખલન અને બરફના તોફાનથી એક રશિયન નાગરિક સહિત બે લોકોનાં મોત થયા હતાં. રાજ્યમાં બરફવર્ષાને કારણે ફસાયેલા આશરે ૮૦ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. બીજી તરફ હિમાચલપ્રદેશમાં ભારે બરફવર્ષા અને વરસાદને કારણે ઓછામાં ઓછા ૪૦૦ રસ્તાઓ બ્લોક થઈ ગયાં હતાં. સિક્કિમમાં અસાધારણ ભારે બરફવર્ષાથી વ્યૂહાત્મક માર્ગ બંધ થઈ ગયા હતા અને સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું.

રાષ્ટ્રીય રાજધાનીમાં મહત્તમ તાપમાન ૨૬.૨ ડિગ્રી સેલ્સિયસ પર સ્થિર થતાં હવામાન ખુશનુમા રહ્યું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી વધારે હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં ગુલમર્ગના બરફના તોફાનને પગલે એક રશિયન સ્કીયરનું મૃત્યુ થયું હતું, જ્યારે સ્થાનિક ગાઇડ સહિત બીજા સાત લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.

સાત રશિયનોનું જૂથ અને એક સ્થાનિક ગાઇડ સાથે હિમપ્રપાતથી પ્રભાવિત આર્મી રિજ વિસ્તારમાં નોન-સ્કી ઝોનમાં પ્રવેશ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે સવારે ૮.૩૦ વાગ્યે રામબન જિલ્લાના સેરી નજીક કંપનીના હેડક્વાર્ટરની બહાર ભૂસ્ખલનથી એક શ્રમિકનું મોત થયું હતું. મૂળ ઉત્તરપ્રદેશનો વતની દેશપોલ નાસ્તો કરવા માટે કંપનીની મેસ તરફ જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી.

કાઝીગુંડમાં આર્મીના જવાનોએ ભૂસ્ખલન અને બરફના તોફાનને કારણે છેલ્લા ત્રણ દિવસથી જમ્મુ-કાશ્મીર હાઇવે પર ફસાયેલા ૮૦થી વધુ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સ્ટાફને બચાવ્યા હતાં. બુધવારે ભારે બરફવર્ષા અને ભૂસ્ખલનને કારણે ઘણા મુસાફરો જમ્મુ-શ્રીનગર હાઇવે પર ફસાયા હતા, તેમાં રાજસ્થાનની લો કોલેજના ૭૪ વિદ્યાર્થીઓ અને સાત સ્ટાફ સભ્યો હતા. એક વિદ્યાર્થીએ કહ્યું હતું કે બનિહાલને પાર કર્યા પછી અમારા વાહનની સામે માત્ર ૫૦૦ મીટરના અંતરે ભૂસ્ખલન થતાં અમે ગભરાઈ ગયા હતા. કાશ્મીરને દેશના બાકીના ભાગો સાથે જોડતો એકમાત્ર ૨૭૦ કિલોમીટર લાંબો હાઇવેબનિહાલ નજીક કિશ્તવારી પાથેર ખાતે ભૂસ્ખલનને પગલે ચોથા દિવસે પણ બંધ રહ્યો હતો.