ભારતમાં ઉત્તરીયભાગમાં વાતાવરણમાં પલટો, હવામાન વિભાગે દિલ્હી સહિત અન્ય ભાગોમાં કરી વરસાદની આગાહી

નવીદિલ્હી, દેશના ઉત્તરીયભાગમાં હવામાનમાં પલટો આવ્યો છે. ઉત્તરાખંડમાં હીમવર્ષા થતાં હિમ જેવા ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. ઉત્તરીયભાગોમાં વાતાવરણ બદલાતા હવામાન વિભાગે આગાહી કરી છે કે દિલ્હી સહિત અન્ય સ્થાનો પર વરસાદ જોવા મળી શકે છે. હવામાન વિભાગનું અનુમાન છે કે સોમવાર પછી દિલ્હીમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે. હરિયાણા અને પંજાબમાં વધુ અસર જોવા મળી શકે છે.

જેના કારણે દિવસના તાપમાનમાં ઝડપથી વધારો થશે નહીં. દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં સવારે આછું ધુમ્મસ જોવા મળ્યું હતું. જયારે ઉત્તરાખંડમાં કેદારનાથ અને બદ્રીધામમાં હિમવર્ષા થતા માર્ગો બંધ કરવામાં આવ્યા છે. સાથે અનેક સ્થાનો પર બરફના થર જામતા સેના દ્વારા કામગીરી બરફ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમી વિક્ષેપના કારણે અચાનક વાતાવરણ બદલાયુ છે. દિલ્હી, હરિયાણા અને પંજાબ સહિત ઉત્તર ભારતના વિવિધ ભાગોમાં આવતા અઠવાડિયે અન્ય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી શકે છે. વાતાવરણમાં બદલાતા હમીરપુર, બાંદા અને જાલૌનમાં ભારે વરસાદ સાથે કરા પડ્યા હતા. જ્યારે ઓરાઈ સહિત અન્ય વિસ્તારોમાં મંગળવારે સાંજે ૪ વાગ્યે અચાનક જોરદાર વાવાઝોડા સાથે વરસાદ શરૂ થયો હતો. લગભગ ૨૦ મિનિટ સુધી કરા સાથે અડધા કલાક સુધી ભારે વરસાદ પડ્યો હતો.

સોમવાર પછી દિલ્હીમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડી શકે તેમ હવામાન વિભાગે આગાહી કરી છે. તેમજ હરિયાણા અને પંજાબમાં પણ સામાન્ય વરસાદ થવાની સંભાવના હોવાનું જણાવ્યું છે. જ્યારે ૨૪-૨૭ ફેબ્રુઆરી દરમિયાન અરુણાચલ પ્રદેશમાં છૂટાછવાયા હળવા/મધ્યમ વરસાદ/હિમવર્ષાની પણ આગાહી કરવામાં આવી છે. આસામ અને મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ૨૪ અને ૨૫ ફેબ્રુઆરીએ વરસાદની સંભાવના છે. ૨૫ થી ૨૭ ફેબ્રુઆરી વચ્ચે રાજધાની દિલ્હીમાં વાદળો ગાઢ બની શકે છે. માર્ચની શરૂઆતમાં વરસાદની સંભાવના છે. જો કે શુક્રવારે આકાશ સ્વચ્છ રહેતા મહત્તમ તાપમાન ૨૭ અને લઘુત્તમ ૯ ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. પવનની ઝડપ ચારથી છ કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. તે જ સમયે, સોમવાર પછી, હવામાન પર વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. આ કારણે દિલ્હીમાં ખાસ કરીને મંગળવારે વાદળો ઘેરાતા કેટલીક જગ્યાએ હળવો વરસાદ થવાની સંભાવના છે. આગામી બે-ત્રણ દિવસમાં તેની સ્થિતિ વધુ સ્પષ્ટ થશે.

હવામાન નિષ્ણાતના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ દિવસથી પર્વતોમાં કોઈ ખાસ હવામાન પ્રવૃત્તિ દેખાતી નથી. તેથી, આ સમયગાળા દરમિયાન આકાશ સ્વચ્છ રહેશે અને તાપમાનમાં આંશિક વધારો પણ જોવા મળશે. નવુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ૨૬ થી ૨૮ ફેબ્રુઆરી દરમિયાન દેશના ઉત્તરીય ભાગો પર વરસાદ અને હિમવર્ષા લાવશે. તેની અસરને કારણે પંજાબ અને હરિયાણામાં વધુ મોસમી ફેરફારો થશે જ્યારે દિલ્હીમાં પ્રમાણમાં ઓછો વરસાદ જોવા મળી શકે છે.