બનાસકાંઠા, બનાસકાંઠામાં બે પેઢી ખાદ્ય પદાર્થોમાં ભેળશેળ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી હોવાની બાતમીના આધારે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા બંને પેઢી ખાતે રેડ પાડવામાં આવી હતી. તપાસ દરમિયાન બંને પેઢીમાં મળી રૂ. ૫૩ લાખની કિંમતનો ૮૨૦૦ કિ.ગ્રા. શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યા છે.
એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે, બનાસકાંઠાના કાણોદર ખાતે શ્રીમુલ ડેરીમાં તપાસ કરતા શંકાસ્પદ ઘીનો જથ્થો મળ્યો હતો. પેઢીના માલિકવિપુલભાઈ રાવલની હાજરીમાં પૃથ્થકરણ માટે શ્રીમુલ ઘીનાં ૦૩ નમૂના લેવામાં આવ્યા હતા, જ્યારે બાકીનો રૂ. ૪૧.૮૬ લાખની કિંમતનો ૬૩૫૪ કિ.ગ્રા શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
તેવી જ રીતે, કાણોદર ખાતે નમસ્તે ફૂડ પ્રોડ્ક્સમાં રેડ કરતા ત્યાં પણ શંકાસ્પદ ઘીનો જથ્થો મળ્યો હતો તેમજ પેઢીનાં માલિક વગર પરવાને ઘીનું ઉત્પાદન કરતાં હોવાનું જણાયું હતું. પેઢીના માલિક ફિરોઝહૈદર અઘારીયાની હાજરીમાં નમસ્તે ઘીનાં ૦૬ નમૂના લેવામાં આવ્યા હતા, જ્યારે બાકીનો રૂ. ૧૦.૮૨ લાખની કિંમતનો ૧૭૫૪ કિ.ગ્રા જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોવાથી લીધેલા નમૂનાનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.