કાલોલ સિવિલ કોર્ટની નવી બિલ્ડિંગ બે વર્ષથી ઉદ્ધાટન માટે મીટ માંડી રહી છે

કાલોલ કાલોલમાં સિવિલ જયુડિ.કોર્ટ માટે અંદાજિત 8.50 કરોડ રૂપિયાના ખર્ચે નવીન ભવન બે વર્ષથી બનીને તૈયાર છે. પરંતુ દોઢ વર્ષથી ફર્નીચરની કામગીરી ઠપ્પ થયેલી જોવા મળતા નવુ ભવન ધુળ ખાતુ જોવા મળી રહ્યુ છે. જેના પગલે બાર એસોસિએશન દ્વારા વહેલી તકે નવી કોર્ટ બિલ્ડિંગનુ લોકાર્પણ કરવામાં માંગ ઉઠવા પામી છે.

આ કોર્ટ બિલ્ડિંગ માટે વર્ષ-2019થી મંજુરી મળી હતી. ત્યારબાદ 2022માં બનીને તૈયાર થઈ ગઈ હતી. જેમાં નવીન કોર્ટ માટે જરૂરી માળખાકીય બિલ્ડિંગના બાંધકામ સાથે ગાર્ડનીંગ અને ટ્રીપ્લાન્ટેશન પણ કરી દેવાયુ છે. પરંતુ દોઢ વર્ષથી ફર્નીચર સહિતની કામગીરી ઠપ્પ છે. જેને પગલે આ નવુ ભવન ધુળ ખાઈ રહ્યુ છે. ગાર્ડનીંગ અને ટ્રીપ્લાન્ટેશનને પણ નુકસાન થઈ રહ્યુ છે. હાલ કોર્ટ જજન બંગલામાં ટેમ્પરરી રીતે કાર્યરત છે. જેના કારણે જજસ પણ અન્યત્ર ભાડાના મકાનમાં રહે છે. જેથી જજીસ સહિત વકીલો અને કોર્ટના સ્ટાફને તકલીફ પડી રહી છે. જેથી કાલોલ બાર એસો.દ્વારા ધારાસભ્યને આવેદન આપી કોર્ટ બિલ્ડિંગનુ વહેલી તકે લોકાર્પણ કરવા માંગ કરાઈ છે.