ટી-20 ક્રિકેટમાં દરરોજ નવા રેકોર્ડ બને છે અને તૂટતાં રહે છે પરંતુ હવે એક એવો રેકોર્ડ બની ગયો છે જે તૂટો ઘણો જ મુશ્કેલ લાગી રહ્યો છે. વેસ્ટ ઈન્ડિઝના ઑલરાઉન્ડર રખીમ કોર્નવેલે એક ટી-20 મેચમાં બેવડી સદી ફટકારી દીધી છે. પોતાની આ ઈનિંગમાં તેણે 22 છગ્ગા લગાવ્યા અને વિરોધીઓને રીતસરના હંફાવી દીધા હતા.
અમેરિકામાં ચાલી રહેલી એટલાન્ટા ઓપન ટી-20 લીગમાં રખીમ કોર્નવેલે આ કમાલ કરી છે. તેણે 77 બોલમાં 205 રનની ઈનિંગ રમી જેમાં 22 છગ્ગા અને 17 ચોગ્ગા સામેલ હતા. પોતાની ઈનિંગ દરમિયાન રખીમે 266.77ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. રખીમની આ દમદાર ઈનિંગના દમ પર તેની ટીમ એટલાન્ટા ફાયરે 20 ઓવરમાં માત્ર એક વિકેટના નુકસાન પર 326 રનનો સ્કોર બનાવ્યો હતો. જવામાં હરિફ ટીમ સ્કવેયર ડ્રાઈવ ટીમ 172 રને આ મેચ હારી ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે આ કોઈ સત્તાવાર ટૂર્નામેન્ટ નથી એટલા માટે આ ઈનિંગને ટી-20 રેકોર્ડમાં ગણવામાં આવશે નહીં. પોતાના ભારે વજન અને એક કમાલના કેસને લઈને જાણીતા રખીમ કોર્નવેલે પોતાની ઈનિંગમાં 200 રન તો માત્ર બાઉન્ડ્રીથી જ બનાવ્યા હતા મતલબ કે તેણે માત્ર પાંચ રન જ દોડીને લીધા હતા.
જો ટી-20 ક્રિકેટમાં સૌથી મોટી ઈનિંગની વાત કરવામાં આવે તો આ રેકોર્ડ ક્રિસ ગેઈલના નામે છે જેણે આઈપીએલમાં 175 રનની ઈનિંગ રમી હતી. ગેલે આરસીબી માટે 2013માં આ ઈનિંગ રમી હતી જેમાં 17 છગ્ગા અને 13 ચોગ્ગા સામેલ હતા.