
નડિયાદ,નડિયાદ નજીકથી પસાર થતા એક્સપ્રેસ હાઇવે પાસે આજે શુક્રવારની સમી સાંજે પસાર થતી એક ખાનગી લકઝરી બસ એકાએક રોડની સાઈડમાં પલટી ખાઇ ગઇ હતી. જેના કારણે અંદર બેઠેલા લોકોમાં બૂમરાણ મચી જવા પામી હતી. આ ઘટનામાં બે લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હોવાની માહિતી મળી રહી છે. જ્યારે બનાવની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ બનાવ સ્થળે દોડી આવી હતી.
વિસ્તારથી વિગતો જોઈએ તો, નડિયાદ પાસેથી અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પસાર થાય છે. શુક્રવારની સમી સાંજે આ હાઈવેના નડિયાદ પાસેના એકઝીટ નજીક ડાકોર તરફના માર્ગ પર પસાર થતી ખાનગી ટ્રાવેલ્સની લકઝરી બસ એકાએક રોડની સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી. આ ઘટનામાં બસમાં બેઠેલા લોકોમાં દેકારો બોલી ગયો હતો.આ બસના કાટમાળ નીચે બે લોકો દબાઈ જતાં મોતને ભેટ્યા હતા. જ્યારે અન્ય લોકોને સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસ વર્તુળોમાથી મળતી માહિતી મુજબ હાલ ઇજાગ્રસ્તોને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. અસ્માતની જાણના પગલે ચાર એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી તમામ ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે. આ સાથે એક્સપ્રેસ હાઇવે પેટ્રોલિંગની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી છે. બસમાં સવાર પેસેન્જરને બહાર કાઢવા માટે એક્ષપ્રેસ હાઇવેની ટીમ કામે લાગી છે. ક્રેઈનની પણ મદદ લેવામાં આવી છે.
અકસ્માતમાં મૃતકોના નામ
દિનેશભાઇ ભાવનીચકર શાહ (રહે.બારેજા)
દેવ દેવેન્દ્રભાઇ શાહ (રહે. બાપુનગર)