ભાજપે લોક્સભા ચૂંટણીને ધ્યાને રાખી એક-એક મતદારો સુધી પહોંચવાની નીતિ પર કામ શરૂ

નવીદિલ્હી, ભાજપે લોક્સભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે મોદી સરકારની ૧૦ વર્ષની સિદ્ધિ અને કલ્યાણકારી યોજનાઓ પ્રજા વચ્ચે લઈ જવાની તૈયારી શરૂ કરી દીધી છે. ભાજપ રામ મંદિર નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ હટાવવા સહિતના મુદ્દાઓ પણ પ્રજા સમક્ષ રજૂ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને પાર્ટીના તમામ મોટા નેતાઓ આ તમામ વિષયો પર સતત અવાજ ઉઠાવી રહ્યા છે, પરંતુ શું ભાજપે ચૂંટણી જીતવા માત્ર આ વિષયો પર જ નિર્ભર રહેવું પડશે? ચૂંટણી પ્રચારમાં ભાજપ આ તમામ મુદ્દા પ્રજા વચ્ચે ઉઠાવવાની છે, પરંતુ પક્ષનું સૌથી વધુ ધ્યાન અન્ય મુદ્દા પર પણ કેન્દ્રિત છે.

ભાજપ ચૂંટણી પ્રચારમાં મોદી સરકારની ૧૦ વર્ષની સિદ્ધિ ઉપરાંત રામ મંદિર અને કલમ-૩૭૦ નો મુદ્દો તો ઉઠાવશે જ. આ ઉપરાંત પક્ષ બુથ મેનેજમેન્ટ પર પણ વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. તાજેતરમાં ભાજપનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કાર્યર્ક્તાઓને વધુમાં વધુમાં મતદારો જોડવા અને ૧૦૦ દિવસનો ટાસ્ક પણ સોંપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘ભાજપના કાર્યર્ક્તાઓ દેશ માટે કંઈને કંઈક કરતા રહે છે, પરંતુ આગામી ૧૦૦ દિવસ નવી ઊર્જા, નવો ઉમંગ, નવો ઉત્સાહ, નવો વિશ્વાસ અને નવા જોશ સાથે કામ કરવાના છે. એક-એક મતદારો સુધી પહોંચવાનું છે.’ આ સંબોધનમાં બુથ મેનેજમેન્ટ અને બુથ જીતવાની વ્યૂહનીતિનો સ્પષ્ટ સંદેશો જોવા મળ્યો છે.

ભાજપ વડાપ્રધાન મોદીના લક્ષ્યાંકને પાર પાડવા તૈયારીમાં જોતરાઈ ગઈ છે. ભાજપે તમામ રાજ્યના એકમોની જવાબદારી નક્કી કરવા ઉપરાંત સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, તમામ મંડળ પ્રભારી ૩૦ દિવસમાંથી ઓછામાં ઓછું એક દિવસ એક પેજ પ્રમુખ સાથે મુલાકાત કરે. તેમણે દરેક મતદાર સુધી પહોંચવાનો ટાસ્ક સોંપ્યું હતું અને આ માટે પક્ષે વ્યૂહરચના પણ ઘડી છે. દેશભરના તમામ સ્તરના નેતાઓ અને કાર્યકરોને દરેક બુથ પર ૩૭૦ મત વધારવા કહેવાયું છે. ડેટા મુજબ વાત કરીએ તો દેશભરમાં કુલ ૧૦ લાખ ૩૫ હજાર અને એક લોક્સભા મતવિસ્તારમાં સરેરાશ ૧૯૦૦ બુથ છે. આ મુજબ ભાજપનું એક લોક્સભા મતવિસ્તારમાં સરેરાશ સાત લાખ અને કુલ ૩૮ લાખ મતદારો જોડવાનું લક્ષ્ય છે.