મહેસાણા. મહેસાણાના તરભ શિવધામ ગામે આવેલા વાળીનાથ મહાદેવ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન મોદીએ હાજરી આપી સંબોધન કર્યુ હતું. આ મંદિર ગુજરાતનું બીજુ સૌથી મોટું શિવમંદિર છે જેમાં ૫૦૦ કિલોથી વધુ વજનની શિવલિંગની સ્થાપના થઈ હતી. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ ’જય વાળીનાથ’ બોલીને સંબોધન કરતા જણાવ્યું હતું કે આજે તો ઘણા બધા જૂના જોગીઓના દર્શન કરવા મળ્યા.
આજે તો વાળીનાથે વટ પાડી દીધો છે. અગાઉ ઘણીવાર અહીં આવ્યો છું પણ આજે તો કંઈક અલગ જ વાત છે. રસ્તામાં આવતો હતો તો મારા ગામના અનેક લોકો દેખાતા હતા. વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે આજના દિવસે (૨૨ તારીખે) એક સંયોગ થયો છે. આજથી ઠીક એક મહિના પહેલા હું અયોયામાં હતો. મોદીએ વધુમાં જણાવ્યું હતું કે રબારી સમાજ માટે આ ગુરુગાદી આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આજે હું દિવ્ય ઉર્જાનો અનુભવ કરી રહ્યો છું.આ ઉર્જા એ યાત્રાથી પણ જોડે છે જે બળદેવગીરી બાપુએ શરૂ કરી હતી. હું મંચ પરથી ગાદીપતિ જયરામગીરી બાપુને વંદન કરું છું. બળદેવગીરી બાપુ જોડે મારો ગાઢ નાતો જોડાયેલો હતો. ૨૦૧૬માં તેઓએ આપણી વચ્ચે વિદાઈ લીધી હતી.
વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે આ મંદિર માત્ર દેવાલય છે એટલું જ નથી તે આપણી હજારો વર્ષ જુની સંસ્કૃતિનું પ્રતીક છે. મોદીએ જણાવ્યું હતું કે આ મોદીની ગેરંટીનું લક્ષ્ય દેશના છેવાડાના માનવીનું જીવન ધોરણ સુધારવાનું છે. દેશમાં આજે એકબાજુ દેવાલયો બની રહ્યા છે તો ગરીબ પરિવારોને પોતાનું ઘર મળી રહ્યું છે. મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે કમનસીબે ભારતમાં વારસાના ક્ષેત્રે વિકાસ અટકી પડયો હતો. આ કોંગ્રેસે ધર્મસ્થાનો પર પ્રશ્ર્નો કર્યા હતા. કોંગ્રેસે જ સોમનાથ અને પાવાગઢના વિકાસમાં વિન પેદા કર્યા હતા.
આ કાર્યક્રમ પહેલા વડાપ્રધાન મોદીએ તરભમાં રૂા.૧૩૦૦૦ કરોડથી વધુના અનેક વિકાસ પ્રકલ્પોના ખાતમુર્હુત અને લોકાર્પણ કર્યા હતા. જેમાં વિજ્ઞાન અને પ્રાયોગીક વિભાગ, રેલવે મંત્રાલય વગેરેના પ્રકલ્પોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પુર્વે વડાપ્રધાને રોડ શો કર્યો હતો અને મંદિરમાં પુજા કરી હતી.