છ વર્ષ પછી મળ્યાં વિશ્વની સૌથી ટચૂકડી મહિલા અને વિશ્વનો લંબુજી પુરુષ

મુંબઈ, વિશ્વની શૉર્ટેસ્ટ વુમન જ્યોતિ આમ્ગે અને ટૉલેસ્ટ મૅન સુલતાન કોસેન છ વર્ષ બાદ અમેરિકામાં મળ્યાં અને સાથે બ્રેકફાસ્ટ લીધો એ ઘટનાની તસવીરો જોઈને કુદરતી કરામત પર આફરીન થઈ જવાય એમ છે. ભારતની જ્યોતિ આમ્ગે જસ્ટ બે ફુટની છે જે વિશ્વની સૌથી ટૂંકી મહિલાનો ખિતાબ ધરાવે છે, જ્યારે સુલતાન કોસેન જ્યોતિ કરતાં લગભગ છ ફુટથીયે વધુનો તફાવત છે.

સુલતાન આઠ ફુટ અને ૧૧ ઇંચનો છે. બન્ને ૨૦૧૮માં ઇજિપ્તના ટૂરિઝમને બૂસ્ટ કરવા માટે એક ફોટોશૂટ માટે ઇજિપ્તમાં મળેલાં.૨૦૦૯ની સાલથી સુલતાન વિશ્વના સૌથી ઊંચા વ્યક્તિનો ખિતાબ ધરાવે છે. તેની પિટ્યુટરી ગ્રંથિને ડૅમેજ કરે એવી ટ્યુમર હતી જેને કારણે પુષ્કળ પ્રમાણમાં ગ્રોથ હૉર્મોન ઝરતા હતા અને તેની હાઇટ વયા જ કરતી હતી. જોકે દસેક વર્ષ પહેલાં તેની પિટ્યુટરી ગ્રંથિ પર સર્જરી કરતાં તેની હાઇટ હવે કાબૂમાં છે. જ્યારે જ્યોતિ આપણા મહારાષ્ટ્રના નાગપુરની છે અને રેકૉર્ડ મુજબ એક્ઝેક્ટ ૬૨.૮ સેન્ટિમીટરની લંબાઈ ધરાવે છે. આ વખતે ટચુકડી મહિલા અને લંબુજી પુરુષની મુલાકાત વખતે બન્ને પલાંઠીવાળીને બેઠાં હોય એવા અને જ્યોતિને ખોળામાં લઈને બેઠેલા સુલતાનના ફોટો તેમની હાઇટના કૉન્ટ્રાસ્ટને જબ્બર હાઇલાઇટ કરે છે.