સિક્કિમ, છેલ્લા કેટલાક દિવસોમાં દેશભરમાં હવામાનમાં પલટો આવ્યો છે. પર્વતો પર જ્યાં બરફ પડી રહ્યો છે. મેદાની વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. એવામાં સિક્કિમમાં ઊંચાઈવાળા વિસ્તારોમાં અચાનક ભારે હિમવર્ષા અને ખરાબ હવામાનને કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફસાઈ ગયા હતા. ત્યારબાદ ભારતીય સેના દેવદૂતના રૂપમાં ત્યાં પહોંચી હતી.
સેનાએ બુધવારે પૂર્વ સિક્કિમમાં ઊંચાઈવાળા વિસ્તારોમાં અચાનક ભારે હિમવર્ષા અને ખરાબ હવામાનને કારણે ફસાયેલા ૫૦૦ થી વધુ પ્રવાસીઓને બચાવ્યા હતા. સેનાએ એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપી હતી. નિવેદન અનુસાર, પૂર્વ સિક્કિમમાં અચાનક હિમવર્ષાના કારણે ફસાયેલા ૫૦૦ થી વધુ પ્રવાસીઓને સેનાના જવાનોએ બચાવ્યા. ત્રિશક્તિ કોર્પ્સના જવાનોને બચાવ માટે ત્યાં મોકલવામાં આવ્યા હતા અને ફસાયેલા પ્રવાસીઓને મદદ પૂરી પાડી હતી.
નિવેદનમાં જણાવ્યું કે ’અચાનક ભારે હિમવર્ષાને કારણે નાથુલામાં ૫૦૦ થી વધુ પ્રવાસીઓને લઈ જતા લગભગ ૧૭૫ વાહનો ફસાઈ ગયા. ખરાબ હવામાન અને હિમવર્ષાની માહિતી મળતાની સાથે જ ત્રિશક્તિ કોર્પ્સના સૈનિકો શૂન્યથી નીચે તાપમાનમાં સ્થળ પર પહોંચ્યા અને ફસાયેલા પ્રવાસીઓને બચાવ્યા હતા.’આગળ કહ્યું છે કે, ’પ્રવાસીઓને સલામતી સુધી પહોંચવામાં મદદ કરવા માટે સમયસર તબીબી સંભાળ, ગરમ નાસ્તો અને ભોજન અને સલામત પરિવહન પ્રદાન કરવામાં આવ્યું હતું. ત્રિશક્તિ કોર્પ્સ સિક્કિમમાં સરહદોની રક્ષા કરતી વખતે નાગરિક વહીવટ અને લોકોની મદદ કરવા માટે હંમેશા તૈયાર છે.’