કેક કાપવા બાબતે બે ટોળાં વચ્ચે પથ્થરમારો : ગુજરાતની શાંતિ ડહોળવા પ્રયાસ

  • વિજાપુર તાલુકાના ખરોડ ગામે બે જૂથ સામસામે
  • ટોળાએ ગાડીઓ અને દુકાનોમાં તોડફોડ કરી
  • કેક કાપવા બાબતે થઈ હતી માથાકૂટ

મહેસાણાના વિજાપુરના ખરોડ ગામે ગઈકાલે રાત્રે બે અલગ અલગ જ્ઞાતિના લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી. જેની અદાવતમાં આજે બીજા દિવસે સવારે એક જૂથે તોડફોડ અને પથ્થરમારો કરતા વાતાવરણ બન્યું હતું. ખરોડ ગામે કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કરીને વાહનો, દુકાનો અને ગલ્લામાં તોડફોડ કરી હતી. આ અંગેની જાણ થતાં જ પોલીસનો કાફલો બનાવ સ્થળે દોડી આવ્યો હતો. 

ગામની દુકાનો અને ગાડીઓમાં તોડફોડ 
આ મામલે લાડોલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એન.પી.પરમારે જણાવ્યું કે, ખરોડ ગામે મંગળવારે રાત્રે જન્મદિવસ નિમિત્તે કેક કાપવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. એકાએક બનેલા બનાવને કારણે ગામમાં ચાલી રહેલા ગરબાને બંધ કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત ગામમાં ભાગદોડ મચી ગઈ હતી. ગતરાત્રીએ થયેલી માથકૂટની અદાવતમાં આજે બીજા દિવસે સવારે એક ટોળાએ પથ્થરમારો કર્યો હતો. આ ઉપરાંત ટોળાએ ગામની દુકાનો અને ગાડીઓમાં તોડફોડ કરી હતી. 

ખરોડ ગામમાં ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
તેમણે જણાવ્યું કે, હાલ બંને પક્ષ સામે રાયોટિંગ અંગે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે. તેમજ ખરોડ ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગામમાં વિજાપુર અને લાડોલ પોલીસના સ્ટાફ તૈનાત કરી દેવામાં આવ્યો છે.