
- પોસ્ટ વિભાગ એ ભારતનું સૌથી મોટુ વિશ્વાસપાત્રતા ધરાવતુ નેટવર્ક છે:- કેન્દ્રીય સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણ.
- ખેડા જીલ્લાના ખેડા તાલુકાના નવાગામ ખાતે કેન્દ્રીય રાજ્યકક્ષા સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે પોસ્ટ ઓફિસ બિલ્ડીંગ નિર્માણનું ભુમિપુજન કરાયુ હતું.
નડીયાદ, આ પ્રસંગે સંચારમંત્રીએ નવાગામ વાસીઓને વિશ્વકર્મા જયંતિની શુભકામનાઓ પાઠવતા જણાવ્યુ હતું કે, આ ગામે મને બહુ પ્રેમ આપ્યો છે, જેના થકી આજે ભારત સરકારમાં ભારત વાસીઓ માટે અને દેશ માટે ઉત્ક્રૃષ્ટ કામગીરી કરવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયો છે. તે માટે સદૈવ ગ્રામવાસીઓનો ઋણી રહીશ. વધુમાં મંત્રીએ ભારતના પોસ્ટ વિભાગની જાણકારી આપતા જણાવ્યુ કે, દેશનું સૌથી વિશ્વાસપાત્ર નેટવર્ક હોય તો તે પોસ્ટ વિભાગનો છે. પોસ્ટ વિભાગ પાસે 4,50,000 થી વધારે કર્મચારીઓ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં પોસ્ટ વિભાગ નવી યોજનાઓ સાથે નવી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યુ છે.

પોસ્ટ વિભાગની સિદ્ધિઓની વાત કરતા મંત્રીએ જણાવ્યુ કે, આજે પ્રધાનમંત્રીના વિઝનથી પોસ્ટના વિશ્વાસુ નેટવર્કથી આજના સમયમાં 5746 નવી પોસ્ટ ઓફીસનું નિર્માણ થયુ છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ગુજરાત પોસ્ટલ સર્કલમાં 06 નવી નાની પોસ્ટ ઓફિસો અને પોસ્ટલ બિલ્ડિંગ પ્રોજેક્ટ્સનું બાંધકામ ચાલુ છે. હેરિટેજ બિલ્ડિંગની જાળવણી માટે આઇડેન્ટિફિકેશન શરૂ કરવામાં આવી છે, અને અમદાવાદ જીપીઓ દ્વારા તેના માટે કામ હાથ ધરવામાં આવી રહ્યું છે. ગુજરાત પોસ્ટલ સર્કલમાં, સોલાર પાવર પેક માટે 02 નવા ઇન્સ્ટોલેશન પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, જે ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. ચાલુ બજેટ વર્ષ દરમિયાન, લિંગ-સંબંધિત પ્રોજેક્ટ હેઠળ 05 મહિલા શૌચાલય/ફીડિંગ રૂમની સાથે 07 પોસ્ટલ બિલ્ડીંગ અને પોસ્ટ ઑફિસના નવીનીકરણના પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યા છે.
વધુમાં, સ્વચ્છતા એક્શન પ્લાન ઝુંબેશ હેઠળ, ગુજરાત પોસ્ટલ સર્કલમાં વિકલાંગ વ્યક્તિઓ માટે રેમ્પ અને રેલિંગ પ્રોજેક્ટ્સ તેમજ 02 વરસાદી પાણી સંગ્રહ પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવામાં આવ્યા છે. નાગરિકોની સુવિધા માટે 25 મુખ્ય પોસ્ટ ઓફિસો અને નાની પોસ્ટ ઓફિસોમાં બ્રેઈલ સંકેત અને બેનરો લગાવવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે, તેમજ આગામી વર્ષો માટે પોસ્ટ ઓફિસ અને પોસ્ટલ ઈમારતોના નવીનીકરણ અને બાંધકામ માટે 98 પ્રોજેક્ટ વિચારણા હેઠળ છે.
વધુમાં મંત્રીએ જણાવ્યુ કે, પહેલા પોસ્ટ વિભાગમાં પત્રાવ્યવહાર,પાર્સલની હેરફેર કરવામાં આવતી હતી. પણ આજના સમયમા ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક થકી પોસ્ટ વિભાગે બેંકીગ ક્ષેત્રોમાં પણ આગવી સિદ્ધિ હાંસલ કરી છે. આજે પોસ્ટ ઓફીસની બેંકોમાં 8 કરોડથી પણ વધારે બચત ખાતા છે. પોસ્ટ ઓફીસની બેંકો પર રાષ્ટ્રીયકૃત બેંકોની જેમ નાગરીકોએ વિશ્ર્વાસ મુક્યો છે.
વધુમાં મંત્રીએ અંત્યોદય શ્રમિક સુરક્ષાની માહિતી આપતા જણાવ્યુ હતુ કે, સમગ્ર ભારતમાં સૌથી પહેલા પોસ્ટ વિભાગ દ્વારા કાર્યરત આ યોજના 8 જુલાઇ 2023માં નડિયાદના ઇપ્કોવાલા હોલ ખાતે પાયલોટ પ્રોજેકટ તરીકે ખેડા જીલ્લામાં શરૂ કરવામા આવી હતી. માત્ર 60 જ દિવસોમાં 1,35,000 શ્રમિકોએ આ યોજનાનો લાભ લીધો હતો. સાથોસાથ સમગ્ર ગુજરાતમા 3,00,000 જેટલા શ્રમિકોએ આ યોજનાનો લાભ લીધો હતો. ફ્ફ્ત 499/- રૂપિયાની પોલીસી મુશ્કેલીના સમયે આશીર્વાદરૂપ સાબીત થાય છે. તેમ મંત્રીએ જણાવ્યુ અને વધુ લોકો આ યોજનાનો લાભ લે તેવી વિનંતિ કરી હતી.
મંત્રીએ પોસ્ટ ઓફિસની માહિતી આપતા જણાવ્યુ કે, આ નવુ ભવન રૂપિયા રૂપિયા 48 લાખના ખર્ચે તૈયાર થશે જેમા પોસ્ટ ઓફીસની બિલ્ડિંગમાં પર્યાપ્ત જગ્યા, હવા-ઉજાશ, જાહેર જનતા માટે બેઠક વ્યવસ્થા અને વાહન પાર્કિંગની અત્યાધુનિક સુવિધાથી સજ્જ હશે. જેથી પોસ્ટ ઓફીસમાં વૃદ્ધો અને અન્ય તમામ વ્યક્તિઓને વધુ સારી સેવા આપી શકાય.
કાર્યક્રમ અંતે મંત્રીના હસ્તે સુક્ધયા સમૃદ્ધિ યોજના, મહિલા સન્માન બચત પ્રમાણપત્ર અને અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનાના લાભાર્થીઓને પાસબુકનું પણ વિતરણ કરવામાં આવ્યુ હતું.
આ કાર્યક્રમમાં મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિહ ચૌહાણ, નવાગામ સરપંચ, ચીફ પોસ્ટ માસ્ટર જનરલ ગુજરાત સર્કલ ગણેશ વી. સાવલેશ્ર્વરકર, પોસ્ટ માસ્ટર જનરલ, સુચિતા જોષી, દક્ષિણ ગુજરાત પ્રદેશ ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસ ડો. એસ. શિવરામ, અને પોસ્ટ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.