
- કુલ 13 પ્રશ્ર્નોની ચર્ચા કરી સંબધિત અધિકારીઓને સમયસર લોકોની સમસ્યાઓનુ નિરાકરણ લાવવા માર્ગદર્શન આપતા જીલ્લા કલેક્ટર અમીત પ્રકાશ યાદવ.
નડીયાદ, ખેડા જીલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને તા.22/02/2024 ના રોજ જીલ્લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે જીલ્લા સ્વાગત-લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કુલ 13 પ્રશ્ર્નોની રજૂઆત કરવામાં આવી હતી. જીલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે ઉપસ્થિત તમામ અરજદારોના પ્રશ્ર્નો અને સંબધિત અધિકારીઓ દ્વારા આ પ્રશ્ર્નોના અનુસંધાને કરવામાં આવેલી કામગીરીની રજૂઆત સાંભળી હતી અને સરકારની કાયદાકીય જોગવાઈ મુજબ પ્રશ્ર્નોનુ નિરાકરણ લાવવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
જીલ્લા સ્વાગત કાર્યક્રમની આ બેઠકમાં જમીન છેતરપીંડીની ફરીયાદ, બિનખેતીની જમીન દુરસ્તી, ક્ષતિ સુધારણા અરજીમા હુકમ બાબતે, માલિકીની જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ, માતૃવંદના યોજનાના લાભ બાબતે, ગૌચર જમીન પરનુ દબાણ હટાવવા બાબતે, રખડતા ઢોર પુરવા બાબતે, ગેરકાયદેસર દબાણ દુર કરવા, અંત્યોદય રેશનકાર્ડ અને રસ્તાના સમારકામ સહિતના મુદ્દાઓ પર કુલ 13 પ્રશ્ર્નોની રજૂઆત સાંભળી સંબધિત વિભાગના અધિકારીઓને સ્થળ મુલાકાત કરી પ્રશ્ર્નોની સમીક્ષા કરવા અને યોગ્ય નિરાકરણ લાવવા જીલ્લા કલેક્ટરએ સુચના આપી હતી.
આ કાર્યક્રમમાં જીલ્લા વિકાસ અધિકારી એસ.ડી.વસાવા, જીલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, નિવાસી અધિક કલેકટર ભરત જોષી, નગરપાલીકા ચીફ ઓફીસરઓ, તાલુકા વિકાસ અધિકારીઓ સહિત સંબધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.