- અદ્યતન સુવિધાઓથી સજ્જ આઈ.ટી.આઈ થકી પંચમહાલ ઉપરાંત મહીસાગર અને દાહોદ જિલ્લાના વિદ્યાર્થીઓને ઘર આંગણે જ અભ્યાસનો લાભ મળશે.
ગોધરા, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી હાલમાં ગુજરાત રાજ્યના પ્રવાસે છે. પ્રધાનમંત્રી દ્વારા ગુરુવારે નવસારી ખાતેથી રાજ્યના રૂ. 44 હજાર કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું ઇ-ખાતમુહૂર્ત અને ઇ-લોકાર્પણ કર્યું હતું. તમામ પ્રકલ્પો પૈકી પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરા શહેરના દાહોદ રોડ પર નિર્માણ પામેલી નવીન ઔધોગિક તાલીમ સંસ્થાના ભવનનું પણ ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઇ-લોકાર્પણ કરાયા બાદ રીબીન કાપીને ગોધરાની મલ્ટી સ્ટોરી આઇ.ટી.આઇ બિલ્ડિંગને વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. રૂા.38.57 કરોડના ખર્ચે તૈયાર થયેલી આ મલ્ટીસ્ટોરી આઇ.ટી.આઇ બિલ્ડિંગ અદ્યતન સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવી છે.જેમાં જીમનેશિયમ,કોન્ફરન્સ રૂમ સહિત સેન્ટ્રલ એસી સાથે સમગ્ર બિલ્ડિંગ તૈયાર કરાયું છે.
નવીન આઈ.ટી.આઈ.થી પંચમહાલ ઉપરાંત મહીસાગર અને દાહોદ જેવા જિલ્લાઓમાંથી ગોધરા ખાતે અભ્યાસાર્થે આવતા વિદ્યાર્થીઓને અભ્યાસનો સીધો લાભ મળી રહેશે.
ગોધરા ખાતે પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં લોકસભા સાંસદ રતનસિંહ રાઠોડ, તાજેતરમાં નવનિયુક્ત થયેલા રાજ્યસભાના સાંસદ ડો.જે.એસ.પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા,ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજી, મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથાર,ગોધરા આઇ.ટી.આઇ આચાર્ય દિનેશ વરમોરા સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.