હાલોલ, સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢના માંચી ડુંગરથી અંદાજિત દોઢ થી બે કિ.મી.ના અંતરે આવેલ શ્રી ભદ્રકાળી માતાજીના મંદિરે માંચી નજીકથી જવાના કાચા માર્ગમાં લોખંડની જાળીઓ તેમજ લોખંડના દરવાજા લગાવી દરવાજાને તાળુ મારી દેતા ભાવિ ભકતોને જોખમી રીતે ઉંચા દરવાજા પર ચઢી ભદ્રકાળી માતાજીના દર્શને જવાની ફરજ પડી છે. જોકે સ્ત્રીઓ બાળકો તેમજ વૃદ્ધો આ રીતે જાળી ઓળંગી ન શકતા હોય ભદ્રકાળી માતાજીના દર્શનથી વંચિત રહેતા ભકતોમાં નિરાશા સાથે રોષ મળી રહ્યો છે.
પાવાગઢ ડુંગર પર માં કાલીના દર્શને આવનાર ભકતોમાંથી મોટી સંખ્યામાં ભકતો માંચી નજીક રોપ-વે સ્ટેશનથી અંદાજિત દોઢથી બે કિ.મી.ચાલીને ગયા બાદ આવતા આઘ્યાત્મિક અને પોૈરાણિક ભદ્રકાળી માતાજીના મંદિરે ભકતો દર્શને જતા હોય છે. જયારે જાણવા મળી માહિતી મુજબ અંદાજિત છેલ્લા ચાર-પાંચ દિવસથી માંચીથી ભદ્રકાળી મંદિર જવાના માર્ગના પ્રવેશદ્વાર પર લોખંડની જાળીઓ તેમજ દરવાજો લગાવી તે દરવાજા પર સાંકળ લગાવી ખંભાતી તાળુ મારી દેતા માતાજીના ભકતો મુંંઝવણમાં મુકાયા હતા. ભકતોને નાછુટકે જીવના જોખમે લોખંડની જાળી, દરવાજો ઓળંગી મંદિર તરફ જવાની ફરજ પડે છે. જોકે વૃદ્ધો તેમજ મહિલાઓ તેમજ બાળકો આ રીતે લોખંડની જાળી ઓળંગી શકતા ન હોય ભદ્રકાળી માતાજીના દર્શનથી વંચિત રહેવુ પડતુ હોય ભકતોમાં રોષ મળી રહ્યો છે.