ગોધરા,
ર્માં આદ્ય શક્તિની ઉપાસનાના મહાપર્વ ગણાતા એવા નવરાત્રીનું ઉપાસના પર્વ મટી હવે ડાન્સ ફેસ્ટિવલમાં રૂપાંતરણ થઇ રહ્યું છે. ત્યારે વિશ્ર્વના સૌથી મોટા ડાન્સ ફેસ્ટિવલમાં મન મૂકી હિલોળે ચડવા થનગની રહેલ યુવા ધન આ ડાન્સ ફેસ્ટિવલના નકારાત્મક અભિગમોને અપનાવી ખોટા રસ્તે ન ચડે તે માટે વાલીઓમાં પણ પ્રકારની ચિંતા જોવા મળે છે. ત્યારે ગોધરાના શેરી ગરબા સંવર્ધન સમિતિ એ એક નવો ચીલો ચીતરતા મારી દીકરી મારા આંગણેના અભિગમ સાથે સમગ્ર ગોધરામાં શેરી ગરબાનું આયોજન કરાવી ગોધરાને ગુજરાતનું સૌ પ્રથમ વ્યવસાયિક ગરબા મુક્ત શહેર બનાવી આજે ગોધરા શહેરમાં 85 કરતા વધુ મંડળોએ પોતાના સોસાયટી અને મેદાનોમાં શેરી ગરબાનો આયોજન કરી પૌરાણિક શેરી ગરબાની પરંપરા જે લુપ્ત પામવાના આરે હતી. તેને શરૂ કરી વ્યવસાયિક ગરબાને મુક્ત કરી જૂની પરંપરાને પુન: જીવિત કરી સમગ્ર રાજ્ય માં એક દાખલો બેસાડ્યો છે.
ર્માં નવ દુર્ગાની આરાધનાનું પર્વ એટલે પવિત્ર નવરાત્રીના દિવસો ચાલી રહ્યા છે અને જેમ જેમ જમાનો આધુનિક થતો જાય છે. તેમ તેમ નવરાત્રી તેના રંગ રૂપ બદલે છે. હવે તો એવું પણ કહેવાય છે કે, નવરાત્રીનો ઉત્સવ નવ દિવસ માતાજીની આરાધના કરતા ગરબા મટીને વિશ્ર્વનો મોટામાં મોટો ડાન્સ ફેસ્ટિવલ બની ગયો છે અને ત્યારે આ ફેસ્ટિવલમાં ભક્તિ ભાવ માટીને ફેશન બની જાય ત્યાં સંસ્કારોનું અધ:પતન થાય છે અને આજે મોટા મોટા શહેરોમાં નવરાત્રી દરમિયાન માત્ર ગરબા ગાવાની સાથે સાથે યુવાન યુવક અને યુવતીઓ ક્યારેક ખોટા રવાડે ચઢી જતા હોવાની ફરિયાદો ઠેર ઠેર જોવા મળતી હોય છે અને ખરા અર્થમાં ર્માં-બાપની સ્થિતિ ખુબજ કફોડી થઇ જતી હોય છે. ત્યારે ગોધરા શહેરના ગરબા આયોજકો એ સમાજને એક રસ્તો બતાવતો નિર્ણય લીધો છે અને પોતાની દીકરી પોતાના આંગણે જ ગરબે ઘૂમે એવું નક્કી કરી લુપ્ત થવાની આરે ઉભેલા શેરી ગરબાને પુન: જીવિત કરી શેરી ગરબા સંવર્ધક સમિતિ બનાવી આખા ગોધરા શહેરના ગરબા આયોજકોને વિશ્ર્વાસમાં લઈ એકેય ગરબા પ્રોફેશનલના કરતા તમામ આયોજકો એ પોતાના વિસ્તારમાં જ શેરી ગરબાનું અને એ પણ ભવ્ય રીતે આયોજન કરીને બતાવી દીધું અને આજે આખા શહેરમાં 85 જગ્યાએ માત્ર શેરી ગરબા તેની આગવી ભવ્યતા ગવાય છે અને દીકરીઓ નિશ્ચિત પણે પોતાના મા-બાપ કે વાલીઓની સન્મુખ રહી મન મૂકીને ગરબે ઘૂમે છે.
આજ કાલ એક યુવાન યુવતીને પ્રોફેશનલ ગરબા માં ગરબા ગાવા જવા માટે પાસની વ્યવસ્થા કરવી પડે અને આવા વેપારીક ગરબાના કોઈ પણ ખોટા આશય વાળા તત્વો પાસ ખરીદીને યુવતીઓ પર મેલી નજર નાખી શકે છે. ત્યારે શેરી ગરબામાં જે કોઈ ગરબા ગાતું હોય એ હમેશા ઓળખીતું જ હોય અને વડીલોને હાજરી માંજ ગરબા ગવાતા હોવાથી ગોધરાનું યૌવન ધન મન મૂકી ગરબે ઘૂમી રહ્યું છે અને આ રીતના આયોજને આખા ગુજરાતને એક સંદેશ પણ આપ્યો છે.
ગોધરા શહેરમાં વ્યવસાયિક ગરબા બંધ થવાના કારણે ગરબે ઘુમવા જતા યુવક યુવતીઓના વાલીઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યું છે. તેમજ ગરબે ઘુમવા જતા યુવાનો તેમજ મહિલાઓ સહિતના બાળકોમાં અને વયોવૃદ્ધ સિનિયર સીટીઝન પણ હવે પોતે પોતાના સોસાયટીમાં ગરબે તાલે ઘૂમતા જોવા મળી રહ્યા છે અને પોતે સહી સલામત હોવાનું અનુભવી રહ્યા છે.