રામ મંદિરના સૌથી મોટા દાનવીર ગુજરાતી કરોડપતિ બન્યા રાજ્યસભાનાં સાંસદ

સુરત,મંગળવારે રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કેન્દ્રિય મંત્રી અશ્ર્વિની વૈષ્ણવ સહિત ૪૧ ઉમેદવારો બનિહરીફ ચૂંટાયા હતા. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા અને પાર્ટીના અન્ય ૩ ઉમેદવારોને ગુજરાતમાંથી રાજ્યસભા માટે બનિહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. નડ્ડા સિવાય ભાજપાએ ડાયમંડ બિઝનેસમેન ગોવિંદભાઇ ધોળકિયા, ભાજપ નેતા જસવંતસિંહ પરમાર અને મયંક નાયકને રાજ્યસભામાં મોકલ્યા છે.

પહેલી વખત રાજ્યસભાના સાંસદ બનેલા ગોવિંદભાઇ છેલ્લા ઘણા સમયથી હેડલાઇન્સમાં રહ્યા છે. અયોધ્યામાં બનેલા રામમંદિર માટે તેમણે ૧૧ કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું અને આ કારણે જ તેઓ ખૂબ ચર્ચામાં છે. રામલલ્લાના મંદિર માટે સૌથી વધુ દાન આપનારા લોકો પૈકી ગોવિંદભાઇનું નામ પણ સામેલ છે. ગુજરાતમાંથી રાજ્યસભામાં પહોંચેલા ભાજપના ચાર ઉમેદવારોમાં સૌથી વધારે ધનિક ધોળકિયાએ પોતાની કુલ સંપત્તિ ૨૭૯ કરોડ રૂપિયા જાહેર કરી છે.

૭૬ વષય ગોવિંદભાઇ ધોળકિયા સુરતના હીરાના મોટા ઉદ્યોગપતિ છે. તેઓ રામકૃષ્ણ એક્સપોર્ટ્સના સ્થાપક અને ચેરમેન છે. તેઓ ૬ ધોરણ સુધી ભણેલા છે અને વર્ષ ૨૦૨૨-૨૩માં તેમની આવક ૩૫.૨૪ કરોડ રૂપિયા હતી. તેમણે પોતાના કરિયરની શરૂઆત ડાયમંડ સેક્ટરમાં એક મજૂર તરીકે કરી હતી. બાદમાં તેમણે પોતાનો બિઝનેસ શરૂ કર્યો અને સફળતાના શિખર સુધી પહોંચ્યા છે. ધોળકિયાએ ૧૯૭૦માં પોતાની કંપનીની શરૂઆત કરી હતી અને તેમણે ૫ હજારથી વધુ લોકોને રોજગારી આપી છે.

ધોળકિયા મોટા ઉદ્યોગપતિ હોવાની સાથે મોટા દાતા પણ છે. તેમણે ૨૦૧૪માં એસઆરકે નોલેજ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી અને જરૂરિયાતમંદોની મદદ કરવા માટે ઘણા પૈસા ખર્ચ કરે છે. તેઓ દિવાળી પર પોતાના કર્મચારીઓને મોંઘી ગીટ્સ આપવા બદલ પણ ખૂબ જ ચર્ચામાં રહે છે. ગોવિંદભાઇ ધોળકિયા સિવાય અન્ય લોકોએ પણ રામ મંદિર માટે એક મોટી રકમ દાન કરી છે. તેમાં દિલિપ વી લાખી મુખ્ય છે. તેઓ પણ સુરતના ડાયમંડ બિઝનેસમેન છે. તેમણે રામલલ્લા માટે ૧૦૧ કિલો સોનું દાનમાં આપ્યું છે. કથાવાચક મોરારી બાપુના અનુયાયીઓએ ૧૬.૩ કરોડ રૂપિયા એકત્ર કરીને મંદિર નિર્માણ માટે દાન આપ્યા છે. જણાવી દઈએ કે, રામમંદિરના નિર્માણ માટે અત્યાર સુધીમાં એક હજાર કરોડથી વધારે રૂપિયા ખર્ચ થઇ ચૂક્યા છે.