વિદ્યા બાલનના નામથી ફેક ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનાવી છેતરપિંડી આચરવામાં આવી

મુંબઈ, ફિલ્મ અભિનેત્રી વિદ્યા બાલનના નામથી છેતરપિંડીને લગતી એક ઘટના સામે આવી છે. કોઈ અજ્ઞાત વ્યક્તિએ અભિનેત્રીના નામથી ફેક ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનાવી લોકો પાસેથી પૈસા માંગ્યા હતા. અભિનેત્રીને આ અંગે જાણ થતા તેણે આ અજ્ઞાત વ્યક્તિ સામે કાયદેસરના પગલાં ભર્યાં છે અને મુંબઈ પોલિસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરી છે.

અત્યારે મુંબઈ પોલીસ દ્વારા આ ઘટનાને લઈ ફરિયાદ નોંધી છે અને આરોપી વ્યક્તિની શોધખોળ હાથ ધરી છે. પોલીસનો દાવો છે કે અભિનેત્રીના નામથી જે વ્યક્તિ દ્વારા છેતરપિંડી આચરવામાં આવી છે તેની ટૂંક સમયમાં જ ધરપકડ કરી લેવામાં આવશે.

ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે વિદ્યા બાલનના નામથી એક વ્યક્તિએ ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવ્યું છે. જ્યાં તે લોકો પાસેથી પૈસાની માંગ કરે છે. આ ઉપરાંત આ વ્યક્તિ વિદ્યા બાલનના નામ પર નોકરી અપાવવાના ખોટા વચન પણ આપી રહ્યો છે. મુંબઈ પોલીસે IPC ની કલમ ૬૬ હેઠળ કેસ દાખલ કર્યો છે.