ઉત્તરપ્રદેશ, ઉત્તરપ્રદેશના આગ્રામાં જામા મસ્જિદ મેટ્રો સ્ટેશનનું નામ બદલીને મનકામેશ્વર મંદિર સ્ટેશન કરવામાં આવ્યું છે. જામા મસ્જિદ મેટ્રો સ્ટેશન હવેથી મનકામેશ્ર્વર મંદિર તરીકે ઓળખાશે. થોડા સમય પહેલા રાજ્ય સરકારે જામા મસ્જિદ સ્ટેશનનું નામ બદલવાનો આદેશ આપ્યો હતો. આ પછી અધિકારીઓએ જામા મસ્જિદ સ્ટેશન પર નવા નામ સાથે હોડગ્સ પણ લગાવ્યા છે.
જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેબ્રુઆરીના અંતમાં જ મેટ્રોનું ઉદ્ઘાટન કરી શકે છે. નોંધનીય છે કે ઘણા સમયથી ઉત્તરપ્રદેશમાં કેટલાક સ્થાનોના નામ બદલવામાં આવી રહ્યા છે. કેટલાક સ્થાનોના નામ બદલાઈ ગયા છે તો કેટલાકના નામ બદલાવાના આદેશ આપવામાં આવ્યા છે. ગત વર્ષ ૨૦૨૩ના જુલાઈ મહિનામાં સીએમ યોગી આગ્રાની મુલાકાતે હતા ત્યારે તેમણે મેટ્રો સ્ટેશનના નામ બદલવાની જાહેરાત કરી હતી.જુલાઈ ૨૦૨૩માં આગ્રા મેટ્રો હાઈ સ્પીડનું ઉદ્ઘાટન કરવા આવેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના ભાષણમાં જામા મસ્જિદને બદલે મનકામેશ્ર્વર નાથ મંદિરનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારથી અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે જામા મસ્જિદ મેટ્રો સ્ટેશનનું નામ મનકામેશ્ર્વર મેટ્રો સ્ટેશન હોઈ શકે છે. આ સ્ટેશન પર રાત્રે જ મનકામેશ્ર્વર લખવામાં આવ્યું છે. હવે આ સ્ટેશન જામા મસ્જિદ તરીકે નહીં પરંતુ મનકામેશ્ર્વર મંદિર તરીકે ઓળખાશે.
પીએમ મોદીએ ૨૦૨૦માં આગરામાં મેટ્રો પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. જાહેરાત કરતી વખતે પીએમએ કહ્યું હતું, પીએમએ કહ્યું હતું કે આગ્રાનો પ્રાચીન ઇતિહાસ છે, પરંતુ હવે તેમાં આધુનિક્તા ભળી રહી છે. પીએમે કહ્યું હતું કે મેટ્રો પ્રોજેક્ટ ધરાવતો આગ્રા યુપીનો સાતમો જિલ્લો બન્યો છે. મહત્વનું છે જામા મસ્જિદ મેટ્રો સ્ટેશન એટલે કે હવેનું મનકામેશ્ર્વર સ્ટેશન પરથી હાઈસ્પીડ મેટ્રોનું પીએમ મોદી ટૂંક સમયમાં ઉદ્ઘાટન કરશે. તાજ ઈસ્ટ ગેટથી મનકામેશ્ર્વર મંદિર સ્ટેશન સુધીમાં ત્રણ એલિવેટેડ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. આગ્રાના રહેવાસીઓ અને અહીં આવતા પ્રવાસીઓ માટે આ પીએમ મોદીની મોટી ભેટ મળશે.