ખેડુતોની દિલ્હી કૂચ શરૂ થતા જ બ્રેક: વાટાઘાટ માટે ફરી કેન્દ્રની ઓફર

નવીદિલ્હી, ટેકાના ભાવને કાનુની માન્યતા મુદે પંજાબ-હરિયાણાની શંભુ બોર્ડર પર આંદોલન ચલાવી રહેલા હજારો ખેડુતોની દિલ્હી કૂચ રોકવા એક તરફ સરહદ પર કાંટાળી તાર, સિમેન્ટ, કોંક્રીટના ગડર તેમજ વિશાળ જેસીબી અને પેલીકેન મશીનની આડસ ગોઠવી દેવામાં આવી છે તો આજે સવારે ૧૧ વાગ્યાથી શરુ થયેલી ક્સિાનોની દિલ્હી કૂચને રોકવા ફરી એક વખત કેન્દ્ર સરકારે વાટાઘાટનું આમંત્રણ આપતા જ કૂચને થોડો સમય માટે રોકી દેવાઈ છે.

૧૪ હજારથી વધુ ખેડુતો આ સરહદ પર ટ્રેકટર સહિતના સાધનો સાથે આજે આગળ વધી રહ્યા હતા તે સમયે જ ખેડુતોને રોકવા માટે એક તબકકે અશ્રુ ગેસનો ઉપયોગ કરાયો હતો અને શંભુ બોર્ડર ફરી એક વખત નવુ ઘમાસાણનું સર્જન કરે તેવી પરીસ્થિતિ હતી પરંતુ અચાનક જ કેન્દ્ર સરકારે એમ.એસ.પી. સહિતના મુદે વાટાઘાટ માટે આમંત્રણ આપતા ખેડુત સંગઠનોએ ટ્રેકટર સહિતના વાહનોને રોકી દેવા આદેશ આપ્યો હતો.

આ અગાઉ શંભુ બોર્ડર પાસે હરિયાણા પોલીસે ડ્રોનથી અશ્રુ વાયુ છોડયો હતો. બીજી તરફ હરિયાણા સરકારે હાઈકોર્ટમાં રીટ કરીને ખેડુતો હાઈવે પર ટ્રેકટર, ટ્રોલી ઉપરાંત ભારે વાહનો અને જેસીબી લઈ ન જાય તે માટે રીટ કરી છે અને હજુ સુધી તેમાં હાઈકોર્ટનો કોઈ આદેશ આવ્યો નથી તે સમયે જ હવે ખેડુત સંગઠનોને મનાવવા માટે સરકાર શું ઓફર કરશે તેના પર સૌની નજર છે.

પટીયાલામાં સરકારી પ્રતિનિધિઓ સાથે ખાસ તૈયારી કરવામાં આવી છે અને બીજી તરફ દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા પર પણ ખાસ નજર રાખવામાં આવી રહી છે. હરિયાણા-પંજાબ સરહદ પર જેસીબી સહિતના હેવી મશીનો સાથે દિલ્હી કૂચ માટે ઉમટેલા હજારો ખેડુતોને હવે આજે હરિયાણા પોલીસે અલ્ટીમેટમ આપ્યુ છે અને જેસીબીના માલિકોને તેમના આ ભારે વાહનો સરહદ પરથી હટાવી લેવા આઠ કલાકનો સમય આપ્યો છે.જણાવ્યું છે કે જો ત્યાં સુધીમાં જેસીબી પરત લઈ લેવામાં નહી આવે તો ખેડુતોની સાથે તેમની સામે પણ એકશન લેવાશે. આ ભારે મશીનના કારણે સમગ્ર બોર્ડર પર જબરો તનાવ છવાઈ ગયો છે અને પોલીસે પણ વળતા જવાબમાં મોટા જેસીબી મશીનો ખડકી દીધા છે.