દાહોદ,
પ્રાપ્ત વિગતો મુજબ દેવગઢબારીયા નગર માં ઘણા શોપિંગ સેન્ટર અને કોમ્પ્લેક્સ તથા રહેણાંક મકાનો પાલિકાના ચોપડે નોંધાયેલા છે અને કેટલાક બાંધકામ હજુપણ ગેરકાયદેસર હોવાનું ચર્ચાઈ છે. પાલિકા વિસ્તારમાં આવેલ રાધે ગોવિંદ રોડ ઉપર કાયદેસર માલીકીની જમીનમાં બાંધકામ પરમિશન લઈ બનેલા રાધે ગોવિંદ પાર્ક કોમ્પ્લેક્સનાં બિલ્ડર ને કોઇપણ જાતની નોટિસ આપ્યા વગર પાલિકાના ચીફ ઓફિસર અને કર્મચારીઓએ ભેગા મળી ગઈ તા.6/9/2022 નાં રોજ સાંજના સમયે ઓચિંતા 11 જેટલી દુકાનો અને મકાનોનું સીલ મારી દીધું હતું. આ અંગે પાલિકાના ચીફ ઓફિસરને રૂબરૂ પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, અમે બિલ્ડર કમલેશ પાઠકને નોટિસ મોકલી છે. જયારે બિલ્ડરને પૂછતાં જાણવા મળ્યું કે, આ અંગે કોઇ નોટિસ મને મળી નથી.
જે પછી 22 દિવસ વીતી ગયા પછી ગઈકાલ તા.29/9/2022 ના રોજ પાલિકાના કર્મચારીઓએ બપોર પછી સીલ મારી દીધેલ રાધે ગોવિંદ પાર્ક કોમ્પ્લેક્સને કોઈને પણ જાણ કર્યા વગર ઓચિંતા સીલ ખોલી દીધુ હતું. પાલિકા તંત્રનાં જવાબદાર અધિકારી કોઇપણ નોટિસ આપ્યા વગર સીલ મારી દે અને ફરીથી એજ જગ્યા ઉપર કોઈને પણ સીલ ખોલી દેવા અંગેની જાણ કે નોટિસની બજવણી કર્યા વગર પોતાના મનસ્વી રીતે સીલ ખોલી દેતા દેવગઢ બારીયા નગરમાં મામલો ટોક ઑફ ધી ટાઉન બન્યો હતો.
આમ, દેવગઢબારીયા પાલિકા તંત્ર દ્વારા અગાઉ કોઇપણ નોટિસ આપ્યા વગર સીલ કરેલા કોમ્પ્લેક્સનું ઓચિંતા સીલ ખોલી દેતા નગરની જનતામાં આશ્ચર્ય ફેલાયું હતું. પાલિકાના સી.ઓ. ને આ સીલ કયા ઉપરી અધિકારીની સૂચના અને પરિપત્ર મુજબ સીલ કરાયું હતું અને કયા અધિકારીની સૂચના અને લેખિત હુકમ મળ્યા પછી તાત્કાલિક સીલ ખોલી દેવાયું તે અંગે સીઓ રૂબરૂ નહીં મળતા તેમજ ટેલિફોનિક સંપર્ક નહીં થતા કોઇ પુષ્ટિ થઈ નથી.