હાલોલ જી.આઈ.ડી.સી.કંપનીના 600 કામદારોની હડતાળ 20 દિવસ બાદ પણ યથાવત

હાલોલ, હાલોલ જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં 600 જેેટલા કામદારો દ્વારા ચાલતી હડતાળ વિદેશી જાપાનીઝ કંપનીના મેનેજમેન્ટના આકરા વલણના કારણે 20માં દિવસે પણ યથાવત રહેવા પામી છે.

હાલોલ જીઆઈડીસીમાં આવેલી જાપાનીઝ કંપની ટોટો ઈન્ડિયા ઈન્ડસ્ટ્રિઝ લિ.કંપનીમાં છેલ્લા કેટલાય વર્ષોથી કામ કરતા 600 જેટલા કામદારો દ્વારા છેલ્લા 20 દિવસથી પોતાના હકની માંગણીઓને લઈને કંપનીના ગેટની બહાર કંપનીના કમ્પાઉન્ડ વોલને અડીને આવેલી ખુલ્લી જગ્યામાં રાત-દિવસ, ઠંડી-તડકો, ભુખ-તરસ અને પરિવારજનોનો વિરહ એવી તમામ યાતનાઓ ભોગવીને પણ ધરણા પ્રદર્શન પર બેસી પોતાના હકની લડત ચલાવી હડતાળ ચલાવી રહ્યા છે. જેમાં તેઓની મુખ્ય માંગણીઓ તેઓને કામ પ્રમાણે પગાર વધારે મળે, કંપની દ્વારા કરાતી કામદારોની ટ્રાન્સ્ફર પર રોક લાગે, ભારે કામગીરી દરમિયાન થતી શારીરિક તકલીફોમાં વળતર અને કાળજી રખાય તેમજ જે 15 કામદારોને કંપની દ્વારા છુટા કરી દીધા છે તેઓને તાત્કાલિક અસરથી પરત લેવામાં આવે તેવી માંગણીઓ સાથે ગત તા.1 ફેબ્રુઆરીથી હડતાળ ચાલી રહી છે. 20માં દિવસે પણ તેઓની હડતાળને લઈ ટોટો કંપનીનુ સ્થાનિક તેમજ ગ્લોબલ મેનેજમેન્ટ ટશન પોતાના આકરા વલણ પર અડગ રહેતા હડતાળ યથાવત રહેવા પામી છે. ગત દિવસોમાં વડોદરા ખાતે આવેલી પ્રાદેશિક લેબર કમિશનર કચેરી દ્વારા પણ આ બાબતે મઘ્યસ્થી કરી નિવેડો લાવવા માટેની સુચના આપી હોવા છતાં કોઈ નિરાકરણ હજુ સુધી આવેલ ન હોવાનુ હડતાળ પર બેઠેલા કામદારો પાસેથી જાણવા મળેલ છે. કામદારો પોતાની અન્ય માંગણીઓને હાલમાં સ્થગિત કરી દઈ તેઓની એક જ માંગણી છે કે 15 જેટલા કામદારોને કંપની દ્વારા છુટા કરી દીધા છે તેઓને બાંહેધરી પત્રક સાથે કંપની દ્વારા પરત લેવામાં આવે તો તરત જ હડતાળ સમેટી લઈ રાબેતા મુજબ કામકામ પર ચઢવા તૈયાર છે. કામકાજ દરમિયાન પોતાની અન્ય માંગણીઓને રજુઆતમાં મુકી કામ કરશે તેવી માંગ કરી રહ્યા છે.