ગરીબોની કસ્તુરી ફરી નાગરિકોને રડાવશે, ડુંગળીનો ભાવ ૧૦૦રૂ.કિલોએ થાય તેવો અંદાજ

ગાંધીનગર, ગરીબોની કસ્તુરી ફરી નાગરિકોને રડાવશે. જેમાં ડુંગળીના ભાવ કિલોએ ૩૦થી ૪૦ રૂપિયા થયા છે. બે દિવસમાં ડુંગળીના ભાવમાં રૂ.૧૫થી ૨૦નો વધારો થયો છે. આગામી દિવસમાં ડુંગળીનો ભાવ રૂપિયા ૧૦૦ થાય તેવો વેપારીઓને અંદાજ છે.

તાજેતરમાં જ કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસને મંજૂરી આપી હતી. તેમજ અમિત શાહની અધ્યક્ષતામાં રચાયેલી કમિટીએ નિર્ણય કર્યો હતો. તેમાં ૩ લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપવામાં આવી હતી. તેમાં બાંગ્લાદેશમાં ૫૦ હજાર ટન ડુંગળીની નિકાસ કરી શકાશે. તેમાં ગુજરાત સહિત દેશભરના ખેડૂતોને ફાયદો થશે. તેમજ ક્સિાન સંઘે સરકારના નિર્ણયને આવકાર્યો છે. અગાઉ ડુંગળીની નિકાસબંધીને કારણે ખેડૂતોને ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. તો બીજી તરફ માર્કેટયાર્ડમાં ડુંગળીનાં ભાવ મુદ્દે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. તેમજ આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી હતી. ત્યારે ફરી સામાન્ય જનતા માટે ડુંગળી મોંઘી થઇ છે.

કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસને મંજૂરી આપવામાં આવી છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોનાં હિતમાં નિર્ણય કરતા આવતા ખેડૂતોમાં ખુશી વ્યાપી જવા પામી હતી. દેશમાંથી ડુંગળીની નિકાસ માટે પ્રતિબંધ મુકાતાં ખેડૂતો અને ગ્રાહકો પરેશાન બન્યા હતા. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધને લઈ ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ વિરોધ કર્યો હતો. ત્યારે સરકારના આ નિર્ણયથી ખેડૂતોને રાહત મળી છે.