મહિલાનું તૂટ્યું ઘર, સ્મૃતિ ઈરાની સામે ધ્રુસકે-ધ્રુસકે રડી પડી: પ્રશાસને તેના વડાપ્રધાન આવાસ યોજના હેઠળ બનાવેલા ઘરને બુલડોઝર વડે તોડી પાડ્યું

ઉત્તરપ્રદેશ, સાંસદ સ્મૃતિ ઈરાની અત્યારે અમેઠી માં છે. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની તેમના સંસદીય મતવિસ્તાર અમેઠી ની ચાર દિવસીય મુલાકાતે પહોંચ્યાં હતાં. મહિલા અને બાળ વિકાસ પ્રધાને સોમવારે ’જન સંવાદ’નું આયોજન કર્યું હતું અને લોકોની ફરિયાદો સાંભળી હતી. આ દરમિયાન અહીં એક મહિલા તેમની પાસે આવીને ધ્રુસકે-ધ્રુસકે રડી પડી હતી. બાદમાં કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ મહિલાની ફરિયાદ સાંભળીને તેને સાંત્વના પણ આપી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

સોમવારે મોડી રાત્રે જનસંવાદ યાત્રાના ભાગરૂપે ચૌપાલ ઊભો કરીને લોકોની સમસ્યાઓ સાંભળી રહેલી સાંસદ સ્મૃતિ ઈરાની સામે એક મહિલા રડી પડી હતી. આ મહિલાનો આરોપ છે કે, પ્રશાસને તેના વડાપ્રધાન આવાસ યોજના હેઠળ બનાવેલા ઘરને બુલડોઝર વડે તોડી પાડ્યું. મહિલાની ફરિયાદના આધારે સ્મૃતિ ઈરાનીએ આ મામલે તપાસ કરીને કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.

આ ઘટના ભાદર બ્લોકના ખાઝા ગામનો છે. સોમવારે મોડી રાત્રે દસ વાગ્યાના સુમારે સાંસદ સ્મૃતિ ઈરાની જન સંવાદ યાત્રાના ભાગરૂપે ચૌપાલ ઉભા કરીને લોકોની સમસ્યાઓ સાંભળી રહ્યા હતા. એટલામાં એક મહિલા ત્યાં આવી અને રડવા લાગી. મહિલાએ આરોપ લગાવ્યો કે, તેને વર્ષ ૨૦૨૩માં વડાપ્રધાનનું આવાસ મળ્યું હતું જે તૈયાર થઈ ગયું હતું. છ ફેબ્રુઆરીના રોજ લેખપાલ અને અન્ય અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને બુલડોઝર વડે ઘરને તોડી પાડ્યું.

મહિલાની ફરિયાદના આધારે સાંસદ સ્મૃતિ ઈરાનીએ તાત્કાલિક ઘટનાસ્થળે હાજર સીડીઓ સૂરજ પટેલને સમગ્ર મામલાની તપાસ કરીને કાર્યવાહી કરવા સૂચના આપી છે. સાંસદ સ્મૃતિ ઈરાનીએ મહિલાને સીડીઓને લેખિત ફરિયાદ આપવા જણાવ્યું અને સીડીઓ આ મામલે તપાસ કરીને કાર્યવાહી કરશે. એટલું જ નહીં, સાંસદે કહ્યું કે અધિકારીઓ તેમને તપાસ રિપોર્ટ પણ આપશે.

નોંધનીય છે કે, ભાદર બ્લોકના ભેણવઈ ગામની રહેવાસી સંયા પાંડેને વર્ષ ૨૦૨૩માં વડાપ્રધાનનું આવાસ મળ્યું, ત્યાર બાદ સંયાએ તેને બનાવીને તૈયાર કરાવ્યું. છ ફેબ્રુઆરીના રોજ, લેખપાલ અરવિંદ સિંહ, કાનુનગો રાજકુમાર સિંહ અને નયાબ તહસીલદાર પરશુરામ સ્થળ પર પહોંચ્યા અને કોઈ પણ પૂર્વ સૂચના વગર બુલડોઝર વડે ઘરને તોડી પાડ્યું. ઘર તોડી પાડવા દરમિયાન મહિલા રડતી રહી અને આજીજી કરતી રહી પરંતુ અધિકારીઓએ તેની વાત સાંભળી નહીં. પોતાની સાથે થયેલા અન્યાય સામે મહિલાને અવાજ ઉઠાવવો હતો. એટલે જ જ્યારે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની તેમના સંસદીય મતવિસ્તાર અમેઠી પહોંચ્યા ત્યારે મહિલાએ પોતાની સાતે યેલા અન્યાય સામે અવાજ ઉઠાવ્યો. મહિલાએ મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાની સમક્ષ ધ્રુસકે ધ્રુસકે રડીને પોતાની વાત રજુ કરી હતી.