સરકારની દરખાસ્ત ફગાવી ખેડૂતો દિલ્હી કૂચ કરશે: લઘુત્તમ ટેકાના ભાવ કરવાની કેન્દ્ર સરકારની દરખાસ્તને ખેડૂતોએ ફગાવી પંજાબ-હરિયાણા શંભૂ સરહદે કૂચ શરૂ પણ કરી દીધી

આગામી પાંચ વર્ષ સુધી પાંચ પાકની ખરીદી લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)એ કરવાની કેન્દ્ર સરકારની દરખાસ્તને આંદોલનકારી ખેડૂતોએ સોમવારે મોડી રાત્રે ફગાવી દીધી છે. આની સાથે જ તેમણે આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી આપી છે અને 21મીએ બુધવારે ‘દિલ્હી ચલો’ કૂચની જાહેરાત કરી છે. આની સાથે જ ખેડૂતોએ પંજાબ-હરિયાણા શંભૂ સરહદે તેમની કૂચ શરૂ પણ કરી દીધી છે. 

ખેડૂતોના નિર્ણય અંગે મીડિયાને માહિતી આપતાં ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલે જણાવ્યું હતું કે બંને ખેડૂત મોરચા સાથે વાતચીત કરીને આ નિર્ણય લેવાયો છે, જેમાં કિસાન મઝદૂર સંઘર્ષ કમિટી (કેએમએસસી) અને સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય)નો સમાવેશ થાય છે. અગાઉ 2021-21માં ખેડૂત આંદોલનની આગેવાની લેનાર સંયુક્ત કિસાન મોરચા (SKM) એ પણ સરકારની દરખાસ્ત ફગાવી દીધી હતી.

દલ્લેવાલે જણાવ્યું હતું કે ‘જો તમે વિશ્લેષણ કરો તો સરકારની દરખાસ્તમાં કંઇ જ નથી. તે ખેડૂતોની તરફેણમાં નથી.’ ઉલ્લેખનીય છે કે સરકારે રવિવારે રાત્રે મળેલી બેઠકમાં ખેડૂત નેતાઓને તેમનો પ્લાન રજૂ કર્યો હતો. ચંડીગઢમાં યોજાયેલી આ ચોથા રાઉન્ડની વાટાઘાટોમાં તમામ ખેડૂત નેતાઓએ કેન્દ્રની દરખાસ્તની ચર્ચા માટે સમય માગ્યો હતો. જોકે તેની પર ચર્ચા બાદ તેમણે દરખાસ્ત નકારી દીધી હતી. 

મંત્રણામાં પણ કોઈ ઉકેલ ન આવતા હવે સલામતી દળો અને ખેડૂતો વચ્ચે ઘર્ષણની સંભાવના વધી ગઇ છે.  ખેડૂતોએ 13 જાન્યુઆરીએ દિલ્હી ચલોની કૂચની જાહેરાત કરી હતી. જોકે પંજાબ-હરિયાણાની શંભુ બોર્ડર પર બેરિકેડ મુકવા સહિતની વ્યવસ્થા સાથે તેમને અટકાવી રાખવામાં આવ્યા હતા. એ પછી ખેડૂતો સરકાર સાથે વાતચીતમાં સમય કાઢી રહ્યા હતા અને ચાર રાઉન્ડ વાટાઘાટો યોજાઇ હતી. 

ખેડૂતોની અનેક માગણીમાં એમએસપીની માગણી મુખ્ય હતી. તેઓ તમામ 23 પાક માટે એમએસપી માટે તત્કાળ કાનૂની ગેરંટી માગે છે. જોકે સરકાર આ મોરચે એક કમિટી રચવા માગે છે. 

અગાઉ ‘દિલ્હી ચલો’ આંદોલનમાં ભાગ લઇ રહેલા ખેડૂત નેતાઓએ જણાવ્યું હતું કે તેઓ MSP પર કઠોળ, મકાઈ અને કપાસની ખરીદી અંગેની સરકારની દરખાસ્ત પર ચર્ચા કરશે. પરંતુ સંયુક્ત કિસાન મોરચાએ તેને નકારી દીધી હતી. 

એમએસપીને કાનૂની ગેરંટી ઉપરાંત ખેડૂતો સ્વામીનાથન કમીશનની ભલામણોના અમલીકરણની માગણી કરી રહ્યા છે. આ ઉપરાંત ખેડૂતો અને ખેત શ્રમિકો માટે પેન્શન, દેવા માફી, વીજળીના દરમાં કોઇ વધારો નહિ, પોલીસ કેસો પાછા ખેંચવા અને લખીમપુર ખીરી હિંસાના પીડિતોને ન્યાય અપાવવા સહિતની માગણીઓ કરી છે.

ચાર કલાકથી વધુ ચાલેલી મીટિંગ બાદ મીડિયા સાથેની વાતચીતમાં મંત્રી પિયૂષ ગોયલે જણાવ્યું હતું કે ‘એનસીસીએફ (નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન) અને નાફેડ (નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા) જેવી સહકારી મંડળીઓએ તુવેર દાળ, અડદ દાળ, મસૂર દાળ અને મકાઇ અને કપાસનું ઉત્પાદન કરતાં ખેડૂતો સાથે આગામી પાંચ વર્ષ માટે એમએસપીએ તેમના પાકની ખરીદી કરશે. ખરીદવા માટેના પ્રમાણ પર કોઇ મર્યાદા નથી અને તે માટે એક પોર્ટલ વિકસાવવામાં આવશે.’

એવી પણ દરખાસ્ત કરાઇ હતી કે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાંચ વર્ષ માટે એમએસપીએ ખેડૂતો પાસેથી કપાસની ખરીદી કરશે. જોકે મંત્રીએ કહ્યું હતું કે ખેડૂતોની અન્ય માંગણીઓ “ઊંડી અને નીતિ આધારિત” છે અને ઉંડાણપૂર્વકની ચર્ચા વિના નિરાકરણ મેળવવું શક્ય નથી.

વિવિધ ખેડૂત સંગઠનોનાં છત્ર એસકેએમે જણાવ્યું હતું કે ‘જો મોદી સરકાર ભાજપે આપેલા વચનનો અમલ ન કરી શકતી હોય તો તે અંગે પ્રમાણિકતાથી લોકોને જાણ કરી દેવી જોઇએ.’ તેણે ખેડૂતો સામે પોલીસના પગલાની પણ ટીકા કરી હતી. 

નોઇડા અને ગ્રેટર નોઇડામાં વિરોધ કરી રહેલા ખેડૂતોએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં સત્તાવાળાઓ દ્વારા હસ્તગત કરવામાં આવેલી જમીન માટે વધારાનું વળતર અને ડેવલપ્ડ પ્લોટ આપવાની માંગણીના સમર્થનમાં તેઓ 23મીએ દિલ્હી તરફ કૂચ કરશે. નોઇડા બોર્ડર પર ભારે સલામતી બંદોબસ્ત હોવાથી 8 ફેબ્રુઆરીએ મહિલાઓ સહિતનાં હજારો ખેડૂતોએ દિલ્હી તરફ જવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો હતો.

ખેડૂત નેતા સરવન સિંઘ પાંઢેરે જણાવ્યું હતું કે ખેડૂતોએ એમએસપીની ગેરંટી આપતા કાયદાની તેમની માગણી પડતી મુકી નથી અને ક્યારેય મુકશે પણ નહિ. ઉલ્લેખનીય છે કે પંજાબ અને હરિયાણાના આંદોલનકારી ખેડૂતો શંભુ અને ખનૌરી બોર્ડર પર બેઠા છે. બન્ને ખેડૂત સંગઠનોએ દિલ્હી ચલોની કૂચનું એલાન કર્યું છે.