સુરત: અલથાણમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં બે યુવતીની લાશ મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સોમવારે સવારે સેકન્ડ વીઆઈપી રોડ ખાતે આવેલી અને મીની ગોવાની ઝાડીઓ તરીકે જાણીતી આ જગ્યાએ ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ ઘટના અંગે જાણ કરવામાં આવતા અલથાણ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બન્ને મૃતદેહ નીચે ઉતારવામાં આવ્યા હતા. બન્નેના શરીર ઉપર કેટલાક શંકાસ્પદ ઇજાના નિશાનો પણ મળી આવ્યા હતા.
અલથાણ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભગવાન મહાવી કોલેજમાં આવેલા ઝૂપડામાં રહેતી નીલમ રાજેશ વર્મા અને તેના કાકાની પુત્રી રોશની રાકેશ વર્માના મૃતદેહ સોમવારે સવારે સેકન્ડ વીઆઈપી રોડ ખાતે આવેલી અને મીની ગોવાની ઝાડી તરીકે જાણીતી જગ્યાએ લટકતી હાલતમાં મળી આવ્યા હતા.
પોલીસે જણાવ્યું હતું કે, બન્ને પોતાના દુપટ્ટા વડે ફાંસો ખાઈ લીધો હતો. બન્ને ઘરકામ કરતી હતી. ગઈકાલે કામ ઉપર ગઈ હતી અને પછી ઘરે પરત આવી નહોતી. અચાનક ક્યાંક ગુમ થઇ ગઈ હતી. પરિવારજનો બન્નેની શોધખોળ કરી રહ્યા હતા. દરમિયાન આજે સવારે બન્નેના મૃતદેહ મળી આવ્યા હતા. બન્નેના શરીર ઉપર ઇજા અને નસ કાપવાના નિશાનો પણ મળી આવ્યા હતા. જોકે આ મામલો આપઘાતનો છે કે પછી અને કોઈ કારણ છે, તે જાણવા માટે બને મૃતદેહ પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
પોસ્ટ માર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે. પોલીસ આગળની તપાસ કરી રહી છે. અલથાણમાં ઝાડ સાથે પિતરાઈ બહેનોના ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે.